ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે રાજ્યમાં રોકાણનું વાતાવરણ અને બિઝનેસ કરવાની સરળતા ૫૨ એક મહત્વપૂર્ણ કોન્ફરન્સનું આયોજન ક૨વામાં આવ્યું હતું. આ બેઠકમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ સાથે ગુજરાત ચેમ્બર, ફિક્કી, એસોચેમ અને સીઆઈઆઈ તેમજ ગુજરાતની અન્ય ચેમ્બરના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ચેમ્બર પ્રમુખ મહેશ પૂજના જણાવ્યા અનુસાર આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યત્વે કચ્છના સર્વાંગી વિકાસ માટે ગાંધીધામ ચેમ્બરની ભૂમિકાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું.
બેઠકમાં રજૂ થયેલા મુખ્ય મુદ્દાઓમાં લોજિસ્ટીક અને ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન, અને ઔદ્યોગિક વિકાસ માટે કંડલા, મુન્દ્રા અને તુણા પોર્ટના ડેવલોપમેન્ટને કારણે ટ્રાફિક વધારો થવાની સંભાવનાને જોતાં સિક્સ લેનમાંથી એઈટ લેનનું વિસ્તરણ, કંડલા મુન્દ્રા રોડ ને ફોર લેનમાં રૂપાંતરિત કરવા, કોસ્ટલ હાઈવે નું નિર્માણ, ફ્લાઇટ કનેક્ટિવિટી વધારવા તેમજ વધુ ઉદ્યોગો કચ્છ સાથે જોડાય તે હેતુસર કંડલા મુન્દ્રા વચ્ચે હયાત અને આવનાર ઉદ્યોગો માટે પૂરતા પાણીની વ્યવસ્થા, ગેસની લાઇન ઉપલબ્ધ કરાવવા જેવા અગત્યના મુદ્દે ખાસ ભાર મુકાઇ વિસ્તૃત ચર્ચા થઇ હતી. જેથી પ્રદેશમાં હજુ વધુ વિકાસ થઈ શકે. દેશના વિશાળ કંડલા ટિમ્બર ઉદ્યોગને લીધે ફર્નિચર પાર્કની સંભાવનાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સર્વ મનોજ દાસ, મમતા વર્મા, અવંતિકા સિંઘ અને પ્રવિણા ડી.કે. પણ જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીધામ ચેમ્બરની રજૂઆતોને ધ્યાન પૂર્વક સાંભળી પૂરતા સહયોગની હૈયા ધારણા પાઠવી હતી. ચેમ્બર ના પ્રમુખ મહેશ પુજએ વધુમાં ઉમેર્યું કે, આ અગાઉ ચેમ્બરની ટીમે માનનીય મુખ્યમંત્રી સાથે રાજ્યમાં વ્યવસાય કરવાની સરળતા અને ઔદ્યોગિક વાતાવ૨ણ ૫૨ પણ અગાઉ ચર્ચા કરી હતી. ચેમ્બર દ્વારા કચ્છમાં જમીન સુધારો, પાણીની ટકાઉ પણું અને ઉભરતા ઔદ્યોગિક ક્ષેત્રોમાં પાણી વિતરણનું વ્યવસ્થિત નેટવર્ક, મહેસૂલ મુદ્દાઓની જટિલતાઓ અને તેને અપડેટ કરવા અને નવા એકમો, વિસ્તરણ, ક૨માં ઔદ્યોગિક વિકાસ સાથે સુમેળમાં મુદ્દાસર ૨જૂઆત કરાઈ હતી, તેમ માનદ મંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચેમ્બર ઘણા લાંબા સમયથી કચ્છના ઉદ્યોગો અને વિકાસને લઇને ગુજરાત સરકારથી લઇને ભારત સરકાર સુધીમાં રજૂઆતો કરે છે. ઘણા મામલાઓમાં ચેમ્બરનું પ્રતિનિધિત્વ મંડળ મુખ્યમંત્રી અને તે સંબંધિત વિભાગો અને તેના મંત્રીઓને મળીને ઉદ્યોગો અને કચ્છના સર્વાંગી વિકાસ માટે રજૂઆત કરે છે.