ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાજ્યભરમાં વરસાદને કારણે રસ્તાઓની કથળેલી હાલત અને તેને લઈને નાગરિકોમાં વ્યાપેલા અસંતોષને ગંભીરતાથી લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં સખત નારાજગી વ્યક્ત કરી છે. પરિણામે, મુખ્યમંત્રીએ રાજ્યના તમામ મંત્રીઓ અને પ્રભારી સચિવોને પોતાના સંબંધિત જિલ્લાઓમાં રૂબરૂ જઈને રસ્તાઓના રિપેરિંગની કામગીરીનું નિરીક્ષણ કરવાનો અને ચોમાસામાં નાગરિકોને પડતી મુશ્કેલીઓ તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં પણ વરસાદના કારણે સર્જાયેલા ખાડાવાળા રસ્તાઓએ લોકોને ભારે હાલાકીમાં મૂક્યા છે. આ બંને શહેરોમાં ચોમાસા દરમિયાન સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનો અને કોન્ટ્રાક્ટરો દ્વારા રસ્તાના કામમાં દાખવવામાં આવેલી બેદરકારી સામે પણ મુખ્યમંત્રીએ લાલ આંખ કરી છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે, માત્ર મંત્રીઓ જ નહીં, પરંતુ સંબંધિત વિભાગોના સચિવોએ પણ ફિલ્ડ પર જઈને રસ્તાના સમારકામની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવું પડશે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે માર્ગોને થયેલા વ્યાપક નુકસાન અને તેનાથી ઉદ્ભવેલી સમસ્યાઓ અંગે અસંખ્ય ફરિયાદો સરકારને મળી હતી. આ વ્યાપક ફરિયાદોને પગલે સરકારે આ મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. દરેક મંત્રી અને સચિવને સંબંધિત વિભાગોના અધિકારીઓને સાથે રાખીને ફિલ્ડ પર ઉતરવા અને વર્તમાન પરિસ્થિતિનો સંપૂર્ણ તાગ મેળવીને ત્વરિત કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.