ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના સહયોગથી ગાંધીધામમાં એક અનોખા કોઇન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય બજારમાં સિક્કાઓની અછતને દૂર કરવાનો અને વેપારીઓ તથા નાગરિકોને સરળતાથી સિક્કાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો. આ મેળામાં કુલ રૂ. 30 લાખથી વધુ મૂલ્યના સિક્કાઓ અને રૂ. 50ની નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વેપારીઓ અને નાગરિકો માટે રાહત
This Article Includes
ગાંધીધામ ચેમ્બર દ્વારા ઘણા સમયથી બજારમાં સિક્કાઓની તંગી અંગે RBI અને SBI સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે, SBI ગાંધીધામને મુખ્ય ચેસ્ટ બેંકમાંથી પૂરતા પ્રમાણમાં સિક્કાઓનો પુરવઠો મળ્યો અને આ કોઇન મેળાનું આયોજન શક્ય બન્યું. ચેમ્બરના પ્રમુખ મહેશ પુજે જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજનથી રોજબરોજની નાણાકીય લેવડ-દેવડમાં સરળતા રહેશે અને વેપારીઓને સિક્કાઓનો સંગ્રહ કરવાને બદલે તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન મળશે.

સુવ્યવસ્થિત વિતરણ વ્યવસ્થા
આ મેળામાં સિક્કા અને નોટોના વિતરણ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ અને સિનિયર સિટીઝન્સ માટે અલગ લાઇનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બપોરે 12 વાગ્યાથી શરૂ થયેલું આ વિતરણ સાંજે 4 વાગ્યા સુધી ચાલ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ, રીટેલરો અને સામાન્ય નાગરિકોએ ભાગ લીધો હતો.
SBIના ચીફ મેનેજર કુમાર કિષ્ણ શ્રીવાસ્તવે જણાવ્યું કે હવે બેંકમાં સિક્કાઓની કોઈ અછત નથી અને નાગરિકોને સિક્કાઓનો ખુલ્લેઆમ ઉપયોગ કરવા અપીલ કરી હતી. ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ ભવિષ્યમાં પણ જરૂરિયાત મુજબ આવા મેળા યોજવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ચેમ્બરના ઉપપ્રમુખ દીપક પારેખ, હરીશ માહેશ્વરી, કમલેશ પરિયાણી અને રામણ તિવારી સહિત અનેક સભ્યોએ જહેમત ઉઠાવી હતી.