ગાંધીધામ ટુડે, ન્યૂઝ : નવી બનેલી ગાંધીધામ મહાનગરપાલિકા માટે વિકાસની દિશા નિર્ધારિત કરવા જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે ચાર મુખ્ય સંસ્થાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી (GDA), દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA), સિંધી રિસેટલમેન્ટ કોર્પોરેશન (SRC) અને ગાંધીધામ મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા.
જિલ્લા કલેક્ટરે મહાનગરપાલિકાના પ્રારંભિક સમયમાં આ સંસ્થાઓને સહયોગ આપવા હાકલ કરી હતી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વિકાસની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને શું કરવાનું શક્ય છે એ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. માર્ગો, નિકાસી, સફાઈ અને મૂળભૂત જરૂરિયાતોના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને આયોજન કરવાની જરૂરિયાત પણ ચર્ચાઈ.
મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ હાલ શક્તિશાળી ન હોવાથી વિવિધ સંસ્થાઓના સહયોગ દ્વારા વિકાસલક્ષી કાર્ય હાથ ધરવાની દિશામાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.
દીનદયાળ પોર્ટ ઓથોરિટીથી મળ્યો સકારાત્મક પ્રતિસાદ
ચેરમેન શ્રી સુશીલકુમાર સિંઘ સાથે જિલ્લા કલેક્ટરની બેઠકમાં પોર્ટ વિસ્તારો અને શહેરના વિવિધ વિભાગોમાં સફાઈ અને વિકાસ માટે સહયોગ આપવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. અંદાજ છે કે આગામી સમયમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીમાંથી આર્થિક સહયોગ અને પ્રોજેક્ટ આધાર મળશે.