ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પવિત્ર શ્રાવણ માસમાં અબોલ જીવોને ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જતા ઈસમ વિરુદ્ધ અંજાર પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે છ પાડાઓને બચાવ્યા છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીની સૂચના મુજબ, પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કતલખાના બંધ રાખવા માટે અંજાર પોલીસ સતર્ક હતી. આ દરમિયાન, અંજાર પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.આર. ગોહિલને બાતમી મળી હતી કે એક ઈસમ અબોલ પશુઓને કતલખાને લઈ જઈ રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસે અંજારના હેમલાઈ ફળિયા વિસ્તારમાં તપાસ કરતા એક મહિન્દ્રા XUV 500 કારમાંથી છ પાડાઓને ક્રૂરતાપૂર્વક ભરવામાં આવેલા જોયા. આ પાડાઓને હલનચલન ન કરી શકે તેવી સ્થિતિમાં અને ઘાસચારા વગર રાખવામાં આવ્યા હતા.
પોલીસે કારચાલક કાસમશા જુશબશા શેખ (ઉ.વ. ૩૭, રહે. હેમલાઈ ફળિયું, અંજાર) ની પૂછપરછ કરી. તેની પાસે આ પાડાઓને લઈ જવા માટે કોઈ આધાર પુરાવા કે જરૂરી પ્રમાણપત્રો નહોતા. પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે તે આ પાડાઓને મોરબીના ખાટડીવાડામાં વેચવા લઈ જઈ રહ્યો હતો.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને છ પાડાઓનો કબજો મેળવી પાંજરાપોળ ખાતે સુરક્ષિત રાખવા માટેની વ્યવસ્થા કરી છે. પોલીસે આરોપી કાસમશા શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, પોલીસે XUV કાર, એક મોબાઈલ ફોન અને કારની આર.સી. બુક સહિત કુલ રૂ. ૩,૨૨,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.