ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના વોર્ડ નંબર 2માં આવેલા દુબઈ સિંધુનગર વિસ્તારમાં ત્રણ મહિના પૂર્વે GIDC દ્વારા પાણીની લાઈન નાખવા માટે સ્વચ્છ તેવર બ્લોકનો રોડ તોડી નાખવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ માર્ગનું પુનર્નિમાણ ન થતા વરસાદમાં પરિસ્થિતિ ભયજનક બની હતી.
સ્થાનિક રહેવાસીઓની મુશ્કેલીને લઇ, પૂર્વ નગરસેવિકા ઉષાબેન મીઠવાણી અને નંદુભાઈ મિતવાણીના ઘરે રવિવારે ટોળું ભેગું થયું હતું અને તાત્કાલિક કાયમી ઉકેલની માંગ કરી. લોકોના આહવાનને અનુસરી, મ્યુનિસિપલ કમિશનર શ્રી દેસાઈ સાહેબ પોતે સ્થળ પર પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે ખોદેલા રોડને RCC રોડ તરીકે બાંધકામ કરવા સૂચના આપી.
કમિશનરશ્રીના આ ઝડપી પ્રતિસાદથી દુબઈ સિંધુનગરના રહેવાસીઓમાં આનંદનું મોજું ફરી વળ્યું. રહીશોએ પૂર્વ નગરસેવિકા ઉષાબેન મીઠવાણી અને નંદુભાઈનો જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો. નંદુભાઈ મિતવાણીએ પણ ફોન દ્વારા કમિશનરશ્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, “વહીવટી તંત્રથી આ રીતે તાત્કાલિક સહયોગ મળે એ જ નાગરિક સુશાસન છે.”