ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકામાં મામલતદાર હેઠળ ચાલતા આધાર કાર્ડ સેન્ટરમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ મળતાં તેમણે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. આ તપાસના ભાગરૂપે નાયબ મ્યુનિસિપલ કમિશનરે સેન્ટરના ઓપરેટરોની પૂછપરછ કરી છે અને આ અંગેનો રિપોર્ટ જિલ્લા કલેક્ટરને મોકલવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
લાંબા સમયથી આ આધાર સેન્ટરમાં રૂપિયા લેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. લોકોના જણાવ્યા મુજબ, આધાર કાર્ડમાં ફેરફાર જેવી નાની-મોટી કામગીરી માટે પણ 500 રૂપિયા સુધીની રકમ વસૂલવામાં આવે છે, જે નિયમોનું સીધું ઉલ્લંઘન છે. અગાઉ પણ આ અંગે નગરપાલિકા દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ સેન્ટર કલેક્ટર કચેરી હસ્તક હોવાથી કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી.
આ વખતે, નવનિયુક્ત કમિશનરને સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદ મળી હતી, જેના પગલે તેમણે આ મામલે કડક વલણ અપનાવ્યું. નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ અને ફૂડ ઈન્સ્પેક્ટરે સેન્ટરની મુલાકાત લઈ ઓપરેટરો પાસેથી માહિતી મેળવી હતી.
આધાર સેન્ટર પર આવતા લોકોએ એવી પણ માંગ કરી છે કે તપાસ દરમિયાન ઓપરેટરોને એજન્સી દ્વારા સમયસર પગાર ન મળતો હોવાની ફરિયાદો પર પણ ધ્યાન આપવું જોઈએ, જેથી આ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય. વહીવટી તંત્ર દ્વારા આ મામલે હવે જિલ્લા કલેક્ટરને પત્ર લખીને વધુ કાર્યવાહીની ભલામણ કરવામાં આવશે તેમ સૂત્રોના જાણવા મળ્યું હતું.