ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના મુખ્ય બજાર, ગાંધી માર્કેટ સામે મનપા દ્વારા ખોદવામાં આવેલા ખાડાઓને કારણે સ્થાનિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. તહેવારો નજીક હોવાથી લોકોની અવરજવર વધી રહી છે, ત્યારે આ સમસ્યા વધુ ગંભીર બની છે. જો વરસાદ પડશે, તો આ રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ શકે છે, તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી લતીફ ખલીફાએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે લોકોની સુવિધા માટે આ ખાડાઓ પર વહેલી તકે સિમેન્ટનો રોડ બનાવવો જોઈએ. સ્થાનિકો પણ આ કામ ઝડપથી પૂર્ણ થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે. જો સમયસર આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો તહેવારો દરમિયાન લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે.
આ મામલે સ્થાનિકોએ પણ તંત્રને વહેલી તકે ધ્યાન આપીને રસ્તાનું સમારકામ કરવાની અપીલ કરી છે. હાલમાં જ રજૂઆત કરાતાં તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે, તે જોવું રહ્યું.