ગાંધીધામ ટુડે, ન્યૂઝ : નર્મદાયોજનાની પાઇપલાઇન તથા કેનાલોની મરમતના કારણે અઢીમાસ સુધી કચ્છને નર્મદાયોજનાનું પાણી મળશે નહીં જે મુદ્દે જળ સત્યાગ્રહ સહિતના આકરા કાર્યક્રમો આપવાની કોંગ્રેસે ચિમકી આપી છે.

કચ્છમાં નર્મદા યોજના સિવાય પીવાના પાણીનો બીજાે કોઈ પરંપરાગત વિકલ્પ નથી જેથી આગામી દિવસોમાં પરિસ્થિતિ વિકટ થવાની છે, જેની વધારે અસર કચ્છના શહેરી વિસ્તારોમાં થશે. પાણી પુરવઠાની યોજનાઓમાં કરોડોની રકમ વપરાયા બાદ પણ કોઈ કાયમી ઉકેલ અને ટકાઉ વિતરણ વ્યવસ્થા આ ભાજપની સરકારે ગોઠવી નથી. કચ્છના ૭૦ ટકા ગામડાઓ પીવાના પાણી માટે “નોસોર્સ વિલેજીસ”છે. ઉપરાંત સિંચાઈ કે, જળ સંરક્ષણની યોજનાઓમાં ભાજપના નેતાઓના બેફામ ભ્રષ્ટાચારના પરિણામે જળ સંરક્ષણ ક્ષેત્રે કચ્છ સ્વાવલંબી બની શકે તેવી પરિસ્થિતિ દેખાતી નથી ખરેખર અઢી મહિના સુધી નર્મદાયોજનાનું પાણી બંધ રહે તે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સાંસદ, ધારાસભ્યો, જિલ્લા, તાલુકા, નગરપાલિકાઓના વડાઓ માટે શરમજનક બાબત છે.
એક માત્ર સ્ત્રોત નર્મદાયોજના અઢીમાસ બંધ રહે તે કચ્છની પ્રજા સાથે હળાહળ અન્યાય છે. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કુંભકર્ણ નિંદ્રામાંથી બહાર આવે આગામી દિવસોમાં પશુધન તથા પ્રજા માટે પીવાના પાણીની વિકટ પરિસ્થિતિમાં આગોતરું આયોજન કરે અને જરૂર જણાય તો ટેન્કર વ્યવસ્થા ગોઠવે તેવી માંગ જિલ્લા કોંગ્રેસે કરી છે. નહીંતર કચ્છમાં પીવાના પાણીના મુદ્દે “જળસત્યાગ્રહ” કરવો પડે તો કોંગ્રેસ પક્ષ તૈયાર હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હોવાનું કાર્યાલયમંત્રી ધીરજ રૂપાણી દ્વારા જણાવાયું છે.