ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લા મા કોરોના ફરી દસ્તક આપી રહ્યો છે. તાજેતરમાં ભુજ અને ગાંધીધામ શહેરમાંથી ત્રણ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, જેના પગલે આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.
ભુજમાં 37 અને 34 વર્ષના બે પુરૂષ તથા ગાંધીધામમાં 41 વર્ષના એક પુરૂષમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. આ ત્રણેય દર્દીઓએ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યા હતા જેમાં તેમના આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. હાલમાં તેઓ હોમ ક્વોરન્ટાઇનમાં છે અને તંદુરસ્ત હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કેશવકુમારના જણાવ્યા અનુસાર પોઝિટિવ કેસ મળ્યા બાદ આરોગ્ય તંત્રે સંબંધિત વ્યક્તિઓના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ અને તપાસ શરૂ કરી છે. ઉપરાંત, દર્દીઓએ કોરોના ક્યાંથી પકડ્યો તે જાણવા તેમની ટ્રાવેલ હિસ્ટ્રી પણ ચકાસવામાં આવી રહી છે.
આ તમામ કેસોના સેમ્પલ સરકારની માર્ગદર્શિકા અનુસાર સરકારી લેબમાં મોકલવામાં આવ્યા છે અને જિનેટિક ટેસ્ટના પરિણામોની રાહ જોવામાં આવી રહી છે. નોંધનીય છે કે કચ્છમાં લગભગ દસ મહિના બાદ ફરીથી કોરોનાના કેસ નોંધાયા છે. અગાઉ છેલ્લો કેસ અબડાસા તાલુકામાં નોંધાયો હતો, જ્યારે આ મહિનાની શરૂઆતમાં એક દર્દીનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
હાલમાં જિલ્લામાં કોરોના ટેસ્ટ માટે 800 જેટલી કીટ ઉપલબ્ધ છે. આરોગ્ય તંત્રના અધિકારીઓએ લોકોને ભય વગર જરૂરિયાત મુજબની તકેદારી રાખવાની સલાહ આપી છે અને ખાતરી આપી છે કે આવી સ્થિતિ માટે તંત્ર પૂરતું સજ્જ છે.