ગાંધીધામ ટુડે, ન્યૂઝ : સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન (એસઆરસી) દ્વારા ગાંધીધામ અને આદિપુરમાં રહેણાંકના પ્લોટ પર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરનારા ૬૧ પ્લોટની લીઝ રદ કરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી, જેમાં આ ગેરકાયદેસર બાંધકામ સામે આવ્યું હતું.
એસઆરસી દ્વારા અગાઉ આ પ્લોટધારકોને નોટિસ ફટકારીને તેમની લીઝ શા માટે રદ ન કરવી જોઈએ તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો હતો. તપાસ પૂર્ણ થયા બાદ આખરે ૬૧ પ્લોટની લીઝ રદ કરવાનો નિર્ણય લેવાયો છે, જેના પગલે વિસ્તારના જમીન માર્કેટમાં ભારે સન્નાટો જોવા મળી રહ્યો છે.
એસઆરસીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ પણ ૨૦૦ જેટલા પ્લોટધારકોને નોટિસ આપવામાં આવી છે અને તેઓને ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે. રહેણાંકના પ્લોટ પર કોમર્શિયલ બાંધકામ કરનારાઓ સામે તંત્રની આ કડક કાર્યવાહી આગામી દિવસોમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.