ગાંધીધામ ટુડે, ન્યૂઝ: આદીપુર પોલીસ દ્વારા ક્રિકેટ સટ્ટાના ઓનલાઈન નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ગત રાત્રે સિંઘુવર્ષા અંબે માના મંદિર વાળા મેદાનમાં બેસીને મોબાઇલ દ્વારા આઈ.સી.સી. વુમન્સ વનડે ક્રિકેટ વર્લ્ડકપની મેચ પર સટ્ટો રમતા એક યુવકને ઝડપી પાડ્યો છે.
પકડાયેલા આરોપીની ઓળખ ભાવેશભાઈ અશોકભાઈ ઉકરાણી (ઉ.વ. ૨૮) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પોતાના આર્થિક ફાયદા સારુ હાલે ચાલુ ઇંગ્લેન્ડ વર્સીસ બાંગ્લાદેશ મહીલાની ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટા બેટિંગનો જુગાર રમી રહ્યો હતો.
મોબાઇલ પર ચાલતું હતું ઓનલાઈન બેટિંગ
પોલીસે રેઇડ દરમિયાન તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપી ભાવેશ ઉકરાણી પોતાના રીયલમી કંપનીના નાર્ગો મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં વિશેષ જુગાર સાઇટ્સ પર સક્રિય હતો. તે ‘ALLPANEL’ અને ‘TAJ777’ નામની ઓનલાઈન સટ્ટા બેટિંગ સાઇટ્સ પર પોતાની આઈ.ડી. મેળવીને ક્રિકેટ મેચનો સટ્ટો રમી-રમાડી રહ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી ૧૦,૦૦૦/- રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન અને રોકડા ૫૫૦/- રૂપિયા મળી, એમ કુલ્લે ૧૦,૫૫૦/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આદીપુર પોલીસે ભાવેશભાઈ ઉકરાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ઓનલાઈન સટ્ટાના નેટવર્કમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.