ગાંધીધામ ટુડે, ન્યૂઝ : બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ દ્વારા એક વર્ષ પહેલાં પર્દાફાશ કરાયેલા 13.55 કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટા હવાલા રેકેટનો મુખ્ય સૂત્રધાર અંતે પોલીસના જાળમાં સપડાયો છે. આદિપુરના સાધુ વાસવાણીનગરનો રહેવાસી અને હાલ દુબઈમાં સ્થાયી થયેલો દિલીપ રમેશભાઈ સંગતાણી ઉર્ફે મોનુ સિંધી (ઉંમર ૪૨)ને અમદાવાદ SOGએ હોટેલમાંથી ઝડપી લીધો છે. મોનુ છેલ્લા ઘણા સમયથી દુબઈમાં સેટલ થઈ ગયો હતો અને વૉન્ટેડ હતો.
હોટેલ મહેર ઈનમાં છાપો
This Article Includes
મોનુ છેલ્લા ૮ દિવસથી દુબઈથી અમદાવાદ આવ્યો હતો અને એરપોર્ટ સર્કલ પાસે આવેલી હોટેલ મહેર ઈનમાં રોકાયો હતો. આ દરમ્યાન પોલીસે ચોક્કસ બાતમીના આધારે હોટેલમાં છાપો મારી તેને ઝડપી લીધો. આદિપુર પોલીસ મથકે દાખલ થયેલા ગુનામાં તે વૉન્ટેડ હોવાને કારણે SOGએ તેને આદિપુર પોલીસના હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.
ગયા વર્ષે ભાઈ અને સાગરીત ઝડપાયા હતા
19 ઓગસ્ટ ૨૦૨૪ના રોજ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમે આદિપુરની ગજવાણી કોલેજ નજીક વોચ ગોઠવીને મોનુનો ભાઈ નરેશ રમેશભાઈ સંગતાણી અને ભરત મુકેશભાઈ નેનવાયાની અટકાયત કરી હતી. તેમની કારમાંથી વિવિધ જિલ્લાઓના 44 લોકોના બેન્ક ખાતાંની પાસબૂક, ચેકબૂક, એટીએમ કાર્ડ વગેરે કીટો મળી આવી હતી.
દસ હજારનું કમિશન આપી ખાતાં ખોલાવતાં
નરેશ અને ભરતની પૂછપરછમાં ખુલ્યું હતું કે તેઓ જરૂરિયાતમંદ લોકોને દસ હજાર રૂપિયાનું કમિશન આપીને તેમના નામે બેન્ક ખાતાં ખોલાવતાં. આ બેન્ક ખાતાંમાં ક્રિકેટ સટ્ટાના કરોડો રૂપિયાની હેરફેર થતી હતી અને મુંબઈથી મળેલા સીમકાર્ડ લિંક કરવામાં આવતા.
મુંબઈનો બાબુ જોડાયો હતો રેકેટમાં
મળેલી કીટો તેઓ મુંબઈના બાબુભાઈ બાળાને મોકલતા હતા. નરેશ અને ભરતને દરેક બેન્ક ખાતાં દીઠ 30,000 રૂપિયાનું કમિશન મળતું. બાબુ ગૂગલ મેસેન્જર મારફતે ક્યુઆર કોડ સ્કેન કરીને આ એકાઉન્ટથી દુબઈમાં પૈસાની હેરફેર કરતો. પોલીસે તપાસ કરતાં કુલ 44 બેન્ક ખાતાં મારફતે 13.55 કરોડ રૂપિયાની ગેરકાયદે હેરફેર થઈ હોવાનું ખુલ્યું હતું.
મોનુ ૩ સપ્ટેમ્બરે ભાગી જવાનો હતો
મોનુ સિંધી બે વર્ષથી ફરાર હતો અને અગાઉ પણ ત્રણ વખત દુબઈથી અમદાવાદ આવ્યો હતો. આ વખતે પણ તે ક્રિકેટ સટ્ટાના પૈસાની વસૂલી માટે ચાર દિવસ પહેલાં આવ્યો હતો. તેણે 3 સપ્ટેમ્બરની રિટર્ન ટિકિટ પણ કરાવડાવી હતી. જો પોલીસે સમયસર પકડ્યો ન હોત તો તે પાછો દુબઈ ભાગી જવાનો હતો.
આદિપુરનો રાજ ધનવાણી પણ સામેલ
આ સમગ્ર રેકેટમાં આદિપુરનો રાજ દીપક ધનવાણી પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. રાજ ધનવાણીએ નરેશ સંગતાણીની ઓળખ મુંબઈના બાબુ સાથે કરાવેલી. નોંધનીય છે કે આ બનાવ બહાર આવે તે પહેલાં જ પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમે રાજ ધનવાણી અને હસ્મિતા નામની મહિલાને બેન્ક ખાતાં ખોલાવી નાણાંની ગેરકાયદે હેરફેર કરવા બદલ ગુનામાં બુક કર્યા હતા. એ કેસમાં 23 બેન્ક ખાતામાંથી 12.24 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયાનું ખુલ્યું હતું.
આ રીતે, કચ્છથી લઈને મુંબઈ અને દુબઈ સુધી ફેલાયેલા ક્રિકેટ સટ્ટાના આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હવે પોલીસના જાળમાં સપડાતા વધુ અનેક ખુલાસા થવાની શક્યતા છે.