રાંધણગેસના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ બદલ 3 સામે ફોજદારી

રાંધણગેસના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ બદલ 3 સામે ફોજદારી રાંધણગેસના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ બદલ 3 સામે ફોજદારી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાપર તાલુકાના નૂતન ચિત્રોડ ગામે રાંધણગેસના બાટલાના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા 9 એપ્રિલના રોજ કરાયેલી આકસ્મિક તપાસણીમાં નૂતન ચિત્રોડ ખાતે આવેલ આરોગ્ય મંદિર-2 ની બાજુમાં એક બિલ્ડીંગના રૂમ નંબર 2 માંથી મોટા પ્રમાણમાં ડોમેસ્ટિક અને કોમર્શિયલ એલપીજી બાટલાઓ મળી આવ્યા હતા. આ મામલે ગાંધીધામના 3 આરોપીઓ સામે ફોજદારી દાખલ કરવામાં આવી છે.

8.46 લાખનો મુદ્દામાલ જપ્ત

આ દરોડામાં કુલ 303 ગેસ બોટલ જપ્ત કરવામાં આવી હતી, જેમાં 201 ભરેલા ડોમેસ્ટિક એલપીજી (14.2 કિગ્રા) બોટલ, 99 ખાલી ડોમેસ્ટિક એલપીજી (14.2 કિગ્રા) બોટલ અને 3 ખાલી કોમર્શિયલ (19 કિગ્રા) બોટલનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત ₹8,46,474 આંકવામાં આવી છે.

કોના સામે ગુનો દાખલ થયો?

રાપરના મામલતદાર હમીરભાઈ ભોજાભાઈ વાઘેલાએ આ મામલે કાશ્મીરાબેન નવનીત આચાર્ય, મેનેજર રશેષ નવનીતભાઈ આચાર્ય અને નવીનભાઈ ધરમશીભાઈ માલી સામે ફરિયાદ નોંધાવી છે.

કાયદાનું ઉલ્લંઘન

તપાસ દરમિયાન માલુમ પડ્યું કે આ બોટલો નવનીત ગેસ એજન્સી, ગાંધીધામની હતી. નવનીત ગેસ એજન્સી અને નવીનભાઈ માલી વચ્ચે 1 એપ્રિલ, 2023 ના રોજ એક કરાર થયો હતો, જે અંતર્ગત એજન્સી દ્વારા બોટલો ફાળવવામાં આવતી હતી અને સ્થળ પરથી તેનું વેચાણ થતું હતું. જોકે, આ સ્થળે કોઈ સ્ટોક રજીસ્ટર કે ખરીદ-વેચાણના હિસાબો જાળવવામાં આવ્યા ન હતા.

આ ઉપરાંત, ફાયર સેફ્ટીના સાધનો, એક્સપ્લોઝિવ લાઇસન્સ અને ફાયર સેફ્ટી NOC વિના 100 કિલોથી વધુ પ્રવાહી પેટ્રોલિયમ ગેસનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ કૃત્ય પ્રવાહી પેટ્રોલિયમ ગેસ (પુરવઠા અને વિતરણ નિયમન) હુકમ-2000, ગેસ સિલિન્ડર રૂલ્સ-2016 અને એક્સપ્લોઝિવ એક્ટ-1884 ની જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

આથી, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 ની કલમ 3 અને 7 હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરવા માટે મામલતદારને અધિકૃત કરવામાં આવ્યા હતા, જેમણે ગાગોદર પોલીસ સ્ટેશન ખાતે સંબંધિત ઈસમો સામે કાર્યવાહી કરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *