ગાંધીધામ ટુડે, ન્યૂઝ : શહેર અને આસપાસના ગામો માટે ગાંધીધામ મામલતદાર કચેરી એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે, જ્યાં લોકો રાશનકાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો સહિતની વિવિધ સરકારી સેવાઓ માટે રોજબરોજ આવાં જાય છે. જોકે, હાલમાં રાશનકાર્ડ સંબંધિત કામગીરીમાં વધી રહેલા વિલંબ અને નાદુરસ્ત વ્યવસ્થાને કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, કચેરી બહાર રોજ સવારે જ લોકોએ લાંબી લાઈનો લગાવવી પડે છે. હાલની તીવ્ર ગરમીમાં પણ લોકો તેમના કામ માટે ધંધા-રોજગાર છોડીને આખો આખો દિવસ કચેરી બહાર બેસી રહેવા મજબૂર બન્યા છે.

વિશેષ કરીને રાશનકાર્ડની કામગીરીમાં સમસ્યાઓ વધુ છે. ઘણા લોકોને ફરિયાદ છે કે, તેમનું KYC કરાવ્યા પછી પણ તેમના રાશનકાર્ડમાંથી સભ્યોના નામ ઉતરી ગયા છે. આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી, જેને લઇને મામલો તપાસનો વિષય બન્યો છે. લોકો વારંવાર કચેરીમાં ચક્કર લગાવી રહ્યા છે છતાં પણ તેમના કામમાં આગળધપ્તી થતી નથી.
સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોએ તંત્રને તાકીદે પગલા લેવા અપીલ કરી છે જેથી સામાન્ય લોકોના મુદાઓનો સમયસર ઉકેલ આવે અને તેમને સતત મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.