ગાંધીધામ ટુડે, ન્યૂઝ : 2025નું ચોમાસું માત્ર વરસાદ લઈને નથી આવ્યું, પરંતુ આ વર્ષે તેની સાથે એક તીવ્ર ચક્રવાત પણ આ તટે આવી રહ્યું છે. ‘શક્તિ’ નામનું આ વાવાઝોડું બંગાળની ખાડીમાંથી ઊભું થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં ભારતના પૂર્વી દરિયાકાંઠા વિસ્તારમાં તેની અસર જોવા મળવાની શક્યતા છે.
હવામાન વિભાગ મુજબ, 16 થી 18 મે વચ્ચે આંદામાન સમુદ્ર પર એક ચક્રવાતી સિસ્ટમ સર્જાવાની છે, જે 22 મે સુધીમાં ઓછા દબાણના ક્ષેત્રમાં પરિવર્તિત થઈ શકે છે. જો હાલની પરિસ્થિતિ એવી જ રહી, તો 23 થી 28 મે વચ્ચે આ સિસ્ટમ તીવ્ર ચક્રવાત ‘શક્તિ’ના રૂપમાં સક્રિય બની શકે છે.
ચક્રવાત શક્તિથી કોને પડશે સૌથી વધુ અસર?
This Article Includes
ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, આ વાવાઝોડું મુખ્યત્વે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોને અસર પહોંચાડી શકે છે. એ સિવાય બાંગ્લાદેશના ચિત્તાગોંગ અને ખુલના વિસ્તારોમાં પણ તોફાની પવન અને ભારે વરસાદની શક્યતા છે. કેટલીક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, જેને ધ્યાને લઇ તટવર્તી વિસ્તારોમાં સાવચેતી રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
અન્ય રાજ્યોમાં પણ વરસાદની શક્યતા
‘શક્તિ’ના પરોક્ષ અસર હેઠળ દેશના ઘણા ભાગોમાં ચોમાસા પહેલો વરસાદ પણ જોવા મળી શકે છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ જેવા ઉત્તર ભારતીય વિસ્તારોમાં તીવ્ર પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ રાજ્યો જેમ કે કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને છત્તીસગઢમાં પણ ચોમાસાની શરૂઆત પહેલા વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
તૈયારી જરૂરી છે
ચક્રવાત ‘શક્તિ’ માત્ર હવામાન બદલાવ નહીં, પણ તીવ્ર સંકેત લઈને આવી રહ્યું છે. દરિયાકાંઠા વિસ્તારના લોકો માટે ખાસ સલાહ છે કે તેઓ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરે અને સુરક્ષિત સ્થાન પર રહેવાની તૈયારી રાખે.