પૂર્વ કચ્છમાં સીએનજી પંપનો દાયકાનો દુકાળ: હજારો વાહનચાલકો પરેશાન

પૂર્વ કચ્છમાં સીએનજી પંપનો દાયકાનો દુકાળ: હજારો વાહનચાલકો પરેશાન પૂર્વ કચ્છમાં સીએનજી પંપનો દાયકાનો દુકાળ: હજારો વાહનચાલકો પરેશાન

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છમાં સીએનજી પંપનો અભાવ છેલ્લા દસ વર્ષથી એક ગંભીર સમસ્યા બની ગયો છે. જિલ્લામાં દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે, અને વેકેશનના સમયમાં અન્ય જિલ્લાના સીએનજી વાહનોની સંખ્યામાં પણ વધારો થાય છે. પરંતુ રતનાલ સિવાય સમગ્ર પૂર્વ કચ્છમાં એક પણ સીએનજી પંપ કાર્યરત ન હોવાથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

ગાંધીધામ અને આદિપુરમાં જ આશરે 4,000 થી 5,000 સીએનજી વાહનો છે. પંપના અભાવે આ વાહનચાલકોને સીએનજી ભરાવવા માટે રતનાલ, મુંદરા, ભુજ અથવા તો માળિયા સુધી લાંબુ થવું પડે છે. બીજી તરફ, સમગ્ર કચ્છ જિલ્લામાં છેલ્લા દાયકામાં ભુજ શહેર, માધાપર, માંડવી, મુંદરા, રતનાલ, નખત્રાણા અને ભુજોડી ઓવરબ્રિજ પાસે સીએનજી પંપો ધમધમી રહ્યા છે, જ્યાં અન્ય જિલ્લાના મુસાફરો પણ લાઈનોમાં ઉભા જોવા મળે છે.

પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર, આદિપુર અને ભચાઉ જેવા વિસ્તારોમાં સીએનજી પંપ કેમ નથી તે એક મોટો પ્રશ્ન છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને કારણે રીક્ષાચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. હાલમાં શાળાઓમાં વેકેશન હોવાથી તેમની આવક પણ ઓછી થઈ ગઈ છે.

રાજ્યમાં મહાનગરપાલિકા વિસ્તારોમાં પેટ્રોલ-ડીઝલની રીક્ષા પર પ્રતિબંધ હોવાની માહિતી મળી છે. ગાંધીધામ પણ હવે મહાનગરપાલિકા બન્યું છે, ત્યારે ભવિષ્યમાં અહીં પણ આવો પ્રતિબંધ આવે તો નાના વાહનચાલકોની સ્થિતિ વધુ કફોડી બનશે. આ પ્રતિબંધ આવે તે પહેલાં આ વિસ્તારમાં સીએનજી પંપ શરૂ થાય તેવી આશા સાથે વાહનચાલકો તંત્ર તરફ મીટ માંડીને બેઠા છે.

પૂર્વ કચ્છ જિલ્લા સીએનજી ઉપભોક્તા મંડળ દ્વારા અનેક વખત જિલ્લા કલેક્ટર અને રાજકીય હોદ્દેદારોને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. લોકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં સીએનજી પંપ માટે બે અલગ-અલગ કંપનીઓ હોવાથી અને તેમની વચ્ચે કોઈ આંતરિક ડખો હોવાથી પૂર્વ કચ્છમાં મંજૂરી અટકી પડી છે.

કંપનીઓની હરીફાઈ હોય કે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા, અંતે તો સામાન્ય લોકોને જ ભોગવવું પડે છે. લોકોની માંગ છે કે રાજકીય હોદ્દેદારો આ બાબતે ધ્યાન આપે અને તાત્કાલિક ધોરણે સીએનજી પંપ શરૂ કરાવે, જેથી વાહનચાલકોને રાહત મળે. જો પંપ ફાળવવામાં ન આવે તો આરટીઓ દ્વારા સીએનજી વાહનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ તેવી માંગ પણ ઉઠી છે, જેથી સામાન્ય લોકો વધુ પરેશાન ન થાય.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *