ગાંધીધામ ટુડે, ન્યૂઝ : દેશના તમામ મહાબંદરોમાં 150 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને નંબર વનનું સ્થાન પુન: હાંસલ કરનાર દીનદયાલ મહાબંદર (કંડલા પોર્ટ) ભારત સરકાર દ્વારા હાઈડ્રોજન હબ તરીકે વિકસાવવામાં આવશે. આ મહત્વકાંક્ષી પહેલ અંતર્ગત પોર્ટ ખાતે પ્રથમ હાઈડ્રોજન પ્લાન્ટ આગામી જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં કાર્યરત થઈ જશે, જે 10 જુલાઈથી ઉત્પાદન શરૂ કરશે. આ સાથે, દરિયાઈ વેપાર ક્ષેત્રમાં નેટ ઝીરો ઉત્પાદનના લક્ષ્યાંકને હાંસલ કરવાની દિશામાં કંડલા બંદરેથી એક મોટું પગલું ભરાશે.
હાઈડ્રોજન ઉત્પાદનમાં નવી ક્રાંતિ:
ડી.પી.એ.ના ચેરમેન સુશીલકુમાર સિંઘે જણાવ્યું હતું કે હાઈડ્રોજન પ્લાન્ટ સંબંધિત તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કંડલા ખાતે એક મેગા વોટ અને ચાર મેગા વોટ એમ બે પ્લાન્ટ થકી કુલ પાંચ મેગા વોટ હાઈડ્રોજનનું ઉત્પાદન શરૂ થશે. આ પ્રારંભિક પ્લાન્ટ દર કલાકે 18,000 કિલોગ્રામ હાઈડ્રોજનનું ઉત્પાદન કરશે. રિલાયન્સ અને એલ. એન્ડ ટી. સહિતની પાંચ જેટલી મોટી કંપનીઓ દ્વારા મોટા પાયે હાઈડ્રોજનનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે.
સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ:
દીનદયાલ પોર્ટ દ્વારા એક મેગાવોટનો ડેમોન્સ્ટ્રેશન પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ ભવિષ્યમાં 10 મેગાવોટ સુધી વિસ્તૃત કરી શકાશે અને કંડલાને વ્યાપક સ્તરે હાઈડ્રોજન હબ કઈ રીતે બનાવવું તે અંગે માર્ગદર્શન પૂરું પાડશે. ખાસ વાત એ છે કે આ પ્લાન્ટ માટે સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી સાથે એલ. એન્ડ ટી. દ્વારા સુરત ખાતે એક મેગાવોટનું ઇલેક્ટ્રોલાઇઝર બનાવવામાં આવ્યું છે. જેને તાજેતરમાં જ કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા કંડલા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ગ્રીન એનર્જીનો પ્રારંભ:
દીનદયાલ પોર્ટ સહિત દેશના ત્રણ મહાબંદરોને હાઈડ્રોજન હબ બનાવવાની જાહેરાત કરાઈ છે. તે પૈકી કંડલા ખાતે ઉત્પાદન શરૂ થતાં સરકારનું પોર્ટ ક્ષેત્રમાં હરિત ઊર્જા ઉત્પાદન કરવાનું સ્વપ્ન કચ્છની ભૂમિ ઉપરથી સાકાર થવા જઈ રહ્યું છે.