ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગપહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી તંગદિલી વચ્ચે ભારત સરકાર દેશવ્યાપી ડિફેન્સ મોક ડ્રિલ કરવા જઈ રહી છે. સાત મેના રોજ ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત તમામ રાજ્યોમાં આ મોક ડ્રીલનું આયોજન કરાશે.
વર્ષ 2010માં સિવિલ ડિફેન્સ સ્થળોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી હતી. તેથી કહી શકાય કે આ જ 244 સ્થળો પર સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે. યુપી અને જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોમાં આજથી જ મોકડ્રીલની તૈયારી શરૂ કરી દેવાઈ છે. સિવિલ ડિફેન્સ સ્થળોની યાદીમાં ગુજરાતમાં કુલ 19 સ્થળોનો સમાવેશ થાય છે. એવામાં આ 19 સ્થળોએ મોક ડ્રીલ યોજાઇ શકે છે.
પ્રથમ કેટેગરી : સુરત, વડોદરા, કાકરાપાર
દ્વિતીય કેટેગરી : અમદાવાદ, જામનગર, ભુજ, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડીનાર
તૃતીય કેટેગરી : ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, નવસારી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારત-પાકિસ્તાન યુદ્ધની ભીતિ વચ્ચે આવતીકાલે 7 મે,2025ના રોજ દેશભરના તમામ રાજ્યોમાં ડિફેન્સ મોકડ્રીલનું સેશન યોજવાની જાહેરાત કરી છે. જેમાં નાગરિકોને હવાઈ હુમલાઓથી બચવાની તાલીમ આપવામાં આવશે. 1971 બાદ પ્રથમ વખત દેશમાં આ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે.
આવતીકાલે યોજાનારી આ મોકડ્રીલની તૈયારીઓ અને નાગરિક સુરક્ષામાં સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા ગૃહ સચિવ ગોવિંદ મોહન બેઠકો કરી રહ્યા છે. આ બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્ય સચિવ અને સિવિલ ડિફેન્સ ચીફ હાજર છે.
ગુજરાત, પંજાબ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીરમાં અત્યંત જોખમી પરિસ્થિતિઓનું અનુકરણ કરતી મોકડ્રીલ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. બાંગ્લાદેશની સરહદ પશ્ચિમ બંગાળ અને નોર્થ ઈસ્ટ જિલ્લાઓને પણ આ સુચના આપવામાં આવી છે.
મોક ડ્રીલમાં શું શું કરવામાં આવશે?
- હવાઈ હુમલાની ચેતવણી આપતી સાઈરન વગાડાશે.
- નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ અપાશે.
- મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરાશે.
- નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરાવાશે.
- મહત્ત્વપૂર્ણ સંસ્થાઓની ઈમારતોને છુપાવવાનો પ્રયાસ કરાશે.
નાગરિકો માટે દિશાનિર્દેશ
- મોક ડ્રીલ દરમિયાન હવાઈ હુમલાની ચેતવણી આપનારા સાયરન વાગી શકે છે. એ સમજવું જરુરી છે કે, આ એક અભ્યાસ છે, તેથી ગભરાવાની જરૂર નથી. સાયરન સાંભળતાં જ શાંત રહો અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો.
- જ્યારે સાયરન વાગે ત્યારે તરત જ ખુલ્લા વિસ્તારોમાંથી બહાર નીકળો અને સુરક્ષિત મકાન, ઘર અથવા બંકરમાં જતાં રહો. જો તમે બહાર હોવ તો નજીકના મકાનમાં પ્રવેશ કરો અને સાયરન વાગ્યાના 5 10 મિનિટની અંદર સલામત સ્થળે પહોંચવાનો અભ્યાસ કરો. જો તમારા વિસ્તારમાં બંકર ઉપલબ્ધ હોય તો ત્યાં જતા રહો.
- મોક ડ્રીલ દરમિયાન ‘ક્રેશ બ્લેકઆઉટ’ નો અભ્યાસ કરવામાં આવશે, જેમાં બધી લાઇટો બંધ કરવામાં આવશે, જેથી દુશ્મનને નિશાન લગાવવામાં મુશ્કેલ પડે. તમારા ઘરની બારીઓ, સ્કાયલાઇટ્સ અને દરવાજા કાળા કપડા અથવા અન્ય સામગ્રીથી ઢાંકી દો, જેથી પ્રકાશ બહાર ન જાય. રસ્તા પર વાહન ચલાવતી વખતે અધિકારીઓના નિર્દેશ મુજબ લાઇટ બંધ કરો અને વાહન રોકી દો.
- મોક ડ્રીલમાં નાગરિકો અને વિદ્યાર્થીઓને નાગરિક સંરક્ષણ તાલીમ આપવામાં આવશે. આમાં હુમલાની સ્થિતિમાં પોતાની જાતને બચાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવશે. તાલીમમાં હાજરી આપો અને કટોકટીમાં શું કરવું જોઈએ તેની માહિતી મેળવો. આમાં બંકરોમાં છુપાઈને અભ્યાસ, પ્રાથમિક સારવાર અને સ્થળાંતર યોજનાઓનો સમાવેશ થશે.
- મોક ડ્રીલમાં સ્થળાંતર યોજનાઓનો અભ્યાસ કરાવવામાં આવશે. જેમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે. વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો અને સ્થળાંતર દરમિયાન શાંત રહો. તમારા પરિવાર સાથે સ્થળાંતર યોજનાની અગાઉથી ચર્ચા કરો અને તમારા નજીકના સ્થળાંતર માર્ગ અને સલામત સ્થળનની જાણકારી મેળવી રાખો.
- ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો. મોક ડ્રીલ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ સૂચનાઓ પ્રસાર કરવામાં આવશે. અફવાઓથી દૂર રહો અને ફક્ત અધિકૃત સ્ત્રોતો પાસેથી જ માહિતી મેળવો.
- મોક ડ્રીલ દરમિયાન ઇમરજન્સી કીટની ઉપયોગીતા સમજાવવામાં આવશે. જેમાં પાણી, સૂકો ખોરાક, પ્રાથમિક સારવાર કીટ, ફ્લેશલાઇટ, બેટરી, મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોની કોપી, વધારાના કપડાં અને ધાબળાનો સમાવેશ થવો જોઈએ. ખાતરી કરો કે આ કીટ સરળતાથી ઉપલબ્ધ છે.
- સ્થાનિક વહીવટીતંત્ર, નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો અને પોલીસ સાથે સહયોગ કરો. જો તમે સિવિલ ડિફેન્સ અથવા હોમગાર્ડ સાથે જોડાયેલા છો, તો તમારી જવાબદારીઓ સમજો અને અન્ય લોકોને મદદ કરો. દરેકને સુરક્ષિત રાખવા માટે પડોશીઓ અને સમુદાય સાથે મળીને કામ કરો.
- બાળકોને આ મોક ડ્રીલ વિશે અગાઉથી સમજાવો. જેથી તેઓ ગભરાઈ ન જાય. તેમને સાયરન અને બ્લેકઆઉટ પ્રક્રિયા વિશે માહિતીગાર કરો. વૃદ્ધો અને ખાસ જરૂરિયાતો ધરાવતા લોકોને મદદ કરો જેથી તેઓ સુરક્ષિત સ્થળે પહોંચી શકે.
- સોશિયલ મીડિયા કે અન્ય સ્ત્રોતોમાંથી આવતી અપ્રમાણિત સમાચાર પર વિશ્વાસ ન કરો. માત્ર સરકારી ચેનલો અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો.