અંજાર: દુધઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક અપહરણના કેસમાં પોલીસની નિષ્ક્રિયતા સામે ખલીફા સમાજ દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આજે ખલીફા સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારોએ અંજાર ખાતેની D.Y.S.P કચેરીમાં એક આવેદનપત્ર સુપરત કરી સગીરાને ઝડપથી શોધી કાઢવાની માંગણી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખલીફા સમાજની એક 16 વર્ષની સગીરાને અન્ય સમાજના યુવકે અપહરણ કરી લીધો હતો. આ ઘટના અંગે સગીરાના પરિવારે તારીખ 27/8/2025ના રોજ દુધઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જોકે, આ બાબતે કોઈ કાર્યવાહી ન થતાં આખરે તારીખ 1/9/2025ના રોજ F.I.R નોંધવામાં આવી હતી.
આ F.I.R નોંધાયાને 19 દિવસ વીતી ગયા હોવા છતાં, હજુ સુધી પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. અપહરણ કરનાર આરોપીના મોબાઈલ લોકેશન અથવા તેમની વચ્ચે થયેલી વાતચીતની તપાસ પણ કરવામાં આવી નથી, જેના કારણે પરિવાર અને સમાજમાં ચિંતા વધી છે.
પોલીસની આ ઢીલી કાર્યવાહીથી નારાજ થઈને આજે તારીખ 19/9/2025ના રોજ ખલીફા સમાજના અંજાર તાલુકા અને શહેરના પ્રમુખો તેમજ સમાજના આગેવાનો અને હોદ્દેદારો D.Y.S.P કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપીને તાત્કાલિક તપાસની માંગ કરી હતી.
આ આવેદનપત્રમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી શેરબાનુ અયુબ ખલીફા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તંત્રને આ કેસમાં ગંભીરતાથી કાર્યવાહી કરવા અને વહેલી તકે સગીરાને શોધી કાઢી પરિવારને ન્યાય અપાવવા માટે અપીલ કરી હતી. સમાજે ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની ફરજ પડશે.