ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છમાં લગ્ન અને પારિવારિક વિવાદોના કેસોની વધતી સંખ્યા સમાજ માટે ચિંતાનો વિષય બની રહી છે. આ કેસોનો નિકાલ થવામાં વર્ષો લાગતા હોવાથી પતિ-પત્નીના જીવન પર તેની નકારાત્મક અસરો થઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, માનવતા ગ્રુપના પ્રમુખ અને ધારાશાસ્ત્રી ગોવિંદ દનિચાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને આ કેસોનો ઝડપી નિકાલ લાવવાની માગ કરી છે.
શ્રી દનિચાએ સરકારના સમાજ કલ્યાણ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોને જણાવ્યું હતું કે કચ્છમાં લગ્ન સંબંધિત હજારો કેસો લાંબા સમયથી પેન્ડિંગ છે. આ વિલંબને કારણે અનેક લોકોના જીવનના કીમતી વર્ષો બરબાદ થઈ રહ્યા છે.
વર્તમાન પરિસ્થિતિમાં, એક તરફ વિવાહિત વિવાદના કેસોનો ભરાવો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ ફેમિલી કોર્ટની સંખ્યા ખૂબ ઓછી છે. આ કારણે કેસોનો નિર્ણય આવતા વર્ષો લાગી રહ્યા છે. શ્રી દનિચાએ જણાવ્યું કે જે કેસો વર્ષોથી કોર્ટમાં પેન્ડિંગ છે, તેવા ઘણા યુગલો સ્વેચ્છાએ છૂટા થવા તૈયાર છે. આવા કિસ્સાઓમાં, ન્યાયતંત્ર અમુક જ સીટિંગમાં ઝડપી નિર્ણય લાવી શકે છે.
ગોવિંદ દનિચાએ વધુમાં જણાવ્યું કે કોર્ટના નિર્ણયમાં થતા અતિશય વિલંબથી યુગલોના જીવનના મહત્વના વર્ષો વીતી જાય છે, જેનાથી તેમના જીવન પર ખરાબ અસર પડે છે. તેમણે માગણી કરી કે સમાજો, સામાજિક સંસ્થાઓ અને સરકાર આ મામલે સક્રિય થાય અને ફેમિલી કોર્ટની સંખ્યામાં વધારો કરે, જેથી આ કેસોનું ઝડપી સમાધાન લાવી શકાય.