ગાંધીધામ મામલતદાર કચેરીમાં કમ્પ્યુટર ઓપરેટરોની બદલીની માંગ, બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો

ગાંધીધામ મામલતદાર કચેરીમાં કમ્પ્યુટર ઓપરેટરોની બદલીની માંગ, બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો ગાંધીધામ મામલતદાર કચેરીમાં કમ્પ્યુટર ઓપરેટરોની બદલીની માંગ, બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો

ગાંધીધામ ટુડે ન્યૂઝ : ગાંધીધામ મામલતદાર કચેરીમાં રાશનકાર્ડ સંબંધિત કામગીરી કરતા કમ્પ્યુટર ઓપરેટરોની બદલી કરવા અને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે બહુજન સમાજ પાર્ટી, ગાંધીધામ શહેરના પ્રમુખ અશોક એમ. મહેશ્વરીએ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં ઓપરેટરો દ્વારા થતી ગંભીર ભૂલો, બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે.

ભૂલો અને બેદરકારીના આક્ષેપો:
મહેશ્વરીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે ગાંધીધામ મામલતદાર કચેરીના કમ્પ્યુટર ઓપરેટરો દ્વારા રાશનકાર્ડમાંથી નામો કમી કરવા, નવા નામો ઉમેરવા, નવા રાશનકાર્ડ બનાવવા અને અલગ રાશનકાર્ડ બનાવવાની કામગીરીમાં અતિશય ભૂલો કરવામાં આવી રહી છે. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે અમુક જીવિત વ્યક્તિઓના નામ પણ ‘મૃત’ જાહેર કરીને રાશનકાર્ડમાંથી કમી કરી દેવામાં આવે છે. આ ઉપરાંત, અરજદારોના નામો અને અટકમાં પણ વારંવાર ભૂલો જોવા મળે છે, જેના કારણે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

તાલીમબદ્ધ ઓપરેટરોની માંગ:
અશોક મહેશ્વરીએ માંગ કરી છે કે આવા ભૂલ કરનારા ઓપરેટરોને બદલે તાલીમબદ્ધ અને ઇન્ટરવ્યુ લીધેલા કમ્પ્યુટર ઓપરેટરોની નિમણૂક કરવામાં આવે, જેથી રાશનકાર્ડને લગતા કામો સરળતાથી અને ભૂલરહિત થઈ શકે.

ભ્રષ્ટાચાર અને ‘મલાઈવાળી’ જગ્યાના આક્ષેપો:
પત્રમાં એક ચોંકાવનારો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. થોડા સમય અગાઉ ATVT વિભાગમાં ફરજ બજાવતા એક કમ્પ્યુટર ઓપરેટરને, જે રાશનકાર્ડની પહોંચ ફાડતા હતા, તેમને છૂટા કરી દેવામાં આવ્યા હતા. જોકે, તેમને ફરીથી ગાંધીધામ મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં નિમણૂક આપવામાં આવી છે. લોકમુખે એવી ચર્ચા છે કે પુરવઠા શાખા કમ્પ્યુટર ઓપરેટરો માટે ‘મલાઈવાળી’ જગ્યા છે. મહેશ્વરીએ પ્રશ્ન કર્યો છે કે આવા ઓપરેટરને છૂટા કરીને ‘મલાઈવાળી’ શાખામાં ફરીથી રાખનારા કયા કર્મચારી કે અધિકારી છે. તેમણે એ પણ ધ્યાન દોર્યું છે કે ATVTમાં ચૂંટણી શાખામાં ફરજ બજાવતા કમ્પ્યુટર ઓપરેટરને ATVTમાં જ રાખવામાં આવ્યા છે, જ્યારે પુરવઠા શાખામાં બેદરકારી દાખવનારા ઓપરેટરો સામે કોઈ કાયદેસર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી.

અગાઉની રજૂઆત:
મહેશ્વરીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આ મામલે તેઓએ અગાઉ પ્રાંત અધિકારીશ્રી અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી, અંજાર-કચ્છને ૨૨/૦૮/૨૦૨૪ ના રોજ લેખિત રજૂઆત કરી હતી.આ મામલે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *