ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર તાલુકાના ખેડોઈ પાસે નેશનલ હાઈવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયાં છે. આ અકસ્માત ખરાબ રસ્તાના કારણે થયો હોવાનો આરોપ કચ્છ જિલ્લા ડમ્પર એસોસિએશને લગાવ્યો છે. એસોસિએશને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારને આવેદનપત્ર આપીને નેશનલ હાઈવે ઓથોરિટી અને તેના જવાબદાર અધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે.
એસોસિએશને જણાવ્યું હતું કે આ અકસ્માત નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે થયો છે. આ પહેલાં 7 ઓગસ્ટે સુરજબારી નજીક પણ આવો જ અકસ્માત થયો હતો જેમાં ચાર લોકોનાં મોત થયાં હતાં. કચ્છના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનોએ સાથે મળીને પોલીસ વડાને યોગ્ય તપાસ કરીને કસૂરવારો સામે કાર્યવાહી કરવા વિનંતી કરી છે. જો આ મામલે કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.