ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાગરિકોને તાત્કાલિક મદદ પૂરી પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ડાયલ 112 ઈમરજન્સી સેવા અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસને પાંચ નવાં વાહનો ફાળવવામાં આવ્યાં છે. ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક (એસપી) સાગર બાગમારે આ વાહનોને લીલી ઝંડી બતાવીને લોકોની સેવા માટે સમર્પિત કર્યા હતા.
આ પ્રસંગે એસપી બાગમારે જણાવ્યું હતું કે, આ નવાં વાહનોથી પોલીસ ટીમ કોઈપણ ઘટના સ્થળે કે કટોકટીના સમયે ખૂબ જ ઝડપથી પહોંચી શકશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને પોલીસની સેવાઓ વધુ અસરકારક રીતે પૂરી પાડવાનો છે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે અને લોકોને કટોકટીના સમયે ત્વરિત સહાય મળી રહેશે. આ નવા વાહનોથી પોલીસની કાર્યક્ષમતામાં પણ વધારો થશે.