- ‘લોકતંત્ર ભારત’ની સ્થાપના કરનારા વીર શહીદોનું ઋણ, આપણે ક્યારેય અદા નહીં કરી શકીએ : કચ્છ કલેક્ટર
- ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છના દરેક નાગરિકે સેનાના સંત્રીની ભૂમિકા અદા કરી
- ભુજમાં નિર્માણ પામી રહેલું સિંદૂર વન સેનાના અદમ્ય શૌર્યનું પ્રતીક બની રહેશે
- આજે કચ્છ આપત્તિઓને અવસરમાં પલટાવી સૌથી ઝડપથી વિકાસ સાધતો જિલ્લો બન્યો છે : કચ્છ કલેક્ટર
- ગુજરાત સહિત ભારતના લોકો માટે, પ્રવાસનનું એક ‘બેસ્ટ ડેસ્ટિનેશન’ એટલે કચ્છ
- કચ્છ જિલ્લો ગ્રીનઉર્જાના ઉત્પાદન ક્ષેત્રમાં માત્ર ભારત જ નહીં દુનિયા માટે પણ ઉદાહરણરૂપ : : કચ્છ કલેક્ટર
- વર્તમાનમાં “દેશ કે લીયે જીના” એ ભાવનાથી નાગરિકો રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યોનું પાલન કરે
- ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છના નાગરિકોએ ભારતીય સેના અને જિલ્લા વહીવટીતંત્રને આપેલા સહકારને બિરદાવતા કચ્છ કલેક્ટર
- શાળાના વિદ્યાર્થીઓએ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા
- વિશિષ્ટ કામગીરી અને સિદ્ધિઓ હાંસલ કરનારા સરકારના કર્મયોગી, વિદ્યાર્થીઓ અને નાગરિકોનું સન્માન કરાયું
- દેશની રક્ષા, ગૌરવ અને ઉત્થાન માટે હંમેશા સમર્પિત રહેવા અનુરોધ કરતા કચ્છ કલેક્ટરશ્ર આનંદ પટેલ
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ૭૯ મા સ્વાતંત્ર્ય પર્વની કચ્છની જિલ્લાકક્ષાની ઉજવણી ભચાઉના SRPF ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. આ ઉજવણીમાં કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ધ્વજવંદન કર્યું હતું. કલેક્ટરશ્રીએ પોલીસ અને હોમગાર્ડ પરેડનું નિરીક્ષણ કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે સ્વાતંત્ર્ય પર્વ કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આપણને પ્રાપ્ત થયેલી આઝાદી ખૂબ જ અમૂલ્ય છે. તેઓએ ભચાઉની ધરતી પરથી ક્રાંતિગુરૂ શ્રી શ્યામજી કૃષ્ણવર્માને નમન કર્યા હતા. વધુમાં કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, ભારત દેશને દમનકારી વિદેશી શાસનમાંથી મુક્ત કરાવીને, ‘લોકતંત્ર ભારત’ની સ્થાપના કરનારા વીર શહીદોનું ઋણ, આપણે ક્યારેય પણ અદા કરી શકીશું નહીં. વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં સફળતાપૂર્વક પાર પડાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લાના નાગરિકોએ ભારતીય સેના અને જિલ્લા વહીવટીતંત્રને આપેલા સહકારને તેઓએ બિરદાવ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન સાબિત થયું કે કચ્છનો દરેક નાગરિક સેનાના સંત્રીની ભૂમિકા ભજવી શકે છે. મા ભૌમની રક્ષા કરવા અને સરદહ પારના ભારત વિરોધી બદ-ઈરાદાઓને ડામી દેવામાં ઓપરેશન સિંદૂરે મહત્વની ભૂમિકા અદા કરી છે. ઓપરેશન સિંદૂર બાદ જે સ્થાન પર ભુજમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ હતું તે સ્થાન પર સિંદૂર વનનું રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વન વિભાગના સહયોગથી સિંદૂર વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભુજમાં નિર્માણ પામી રહેલું સિંદૂર વન સેનાના અદમ્ય શૌર્યનું પ્રતીક બની રહેશે.
રાજ્ય તેમજ કચ્છના વિકાસની વાત કરતાં કલેક્ટર શ્રી આનંદ પટેલે જણાવ્યું કે, ગુજરાતે ૨૦૨૫ થી ૨૦૩૫ સુધીના દાયકાને હીરક મહોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, જે ગુજરાતીઓના સન્માન, ઐતિહાસિક સાંસ્કૃતિક મૂલ્યોના જતન અને સર્વાંગી વિકાસ માટેનો જનમહોત્સવ બનશે. ૨૦૪૭માં ભારતની આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થશે ત્યારે આ અવધિને કર્તવ્યકાળ તરીકે ઉજવીશું. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવું એ આપણી પ્રતિબદ્ધતા છે. ગુજરાત આજે દેશના વિકાસનું રોલ મોડલ છે. દેશમાં વિકાસ માટેનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ભારત@૨૦૪૭” સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતે વિકસિત ગુજરાત@૨૦૪૭ રોડમેપ ઘડ્યો છે. આર્થિક અને ઉદ્યોગક્ષેત્રે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ રાજ્યની પ્રગતિનું પ્રતિક છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે, હાઇટેક ખેતી, સિંચાઈ સુવિધાઓ અને ખેડૂતો માટેની કલ્યાણલક્ષી યોજનાઓએ ગુજરાતને કૃષિ ક્રાંતિના માર્ગે આગળ ધપાવ્યું છે. સહકારી આંદોલનના ૭૫ વર્ષ અને પર્યાવરણ રક્ષણ માટે “એક પેડ મા કે નામ” અભિયાન રાજ્યની ઓળખ બની છે. કચ્છ જિલ્લાના લખપતમાં “ગુનેરી ઇનલેન્ડ મેન્ગ્રોવ”ને ગુજરાતની પ્રથમ બાયોડાઇવર્સિટી હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરાઈ છે. રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ ‘ટીમ ગુજરાત’ દિન-રાત કામ કરી રહી છે. આ સંકલ્પને સાકાર કરવા માટે કચ્છ જિલ્લો પણ અગ્રેસર રહીને વિકાસની હરણફાળ ભરી રહ્યો છે.
ગામડાઓમાં શહેરો જેવી સુવિધાઓ ઉપલબ્ધ થાય, સમાજના નાનામાં નાના માનવીનો સર્વાંગી વિકાસ થાય તે સરકારની પ્રાથમિકતા રહી છે તેમ ઉલ્લેખ કરીને કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ગરીબો, પીડિતો, વંચિતો, શોષિતો, યુવાઓ, ખેડૂતોને લઈને સૌના સાથ સૌના વિકાસના ધ્યેય સાથે રાજ્ય સરકાર ચોવીસેય કલાક સેવારત છે. આપણું ગુજરાત વિકાસના લક્ષ્યાંકો નક્કી કરીને, તે દિશામાં આગળ વધી રહ્યું છે. ગુજરાતે આજે માત્ર વિકાસ જ નહીં પણ ભવિષ્યના આયોજન થકી ‘પોલીસી ડ્રિવન સ્ટેટ’ની ઓળખ પ્રાપ્ત કરી છે.
આપણા ગુજરાતને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌના વિકાસના કર્મમંત્રથી જે પુરુષાર્થ આદર્યો હતો, તેને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અવિરત આગળ ધપાવી રહ્યા છે.
કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, વિકાસની ગતિ સાથે તાલ મિલાવતો આપણો સહુનો પ્રિય કચ્છ જિલ્લો અનેક આપત્તિઓને અવસરમાં પલટાવી સૌથી ઝડપથી વિકાસ સાધતો જિલ્લો બન્યો છે. કચ્છમાં ત્રાટકેલા બિપરજોય વાવાઝોડામાં પણ કચ્છની પ્રજાએ સરકારની સાથે ખડેપગે ઉભી રહીને ઝીરો કેઝ્યુઆલટી અને મિનિમમ લોસના ધ્યેયને સાકાર કર્યો હતો. આ ધરતી પર અનેક આફતો આવીને ગઈ પણ કચ્છીજનોને હિંમતને ક્યારેય તોડી શકી નથી.
ઓદ્યૌગિક વિકાસ હોય કે હસ્તકલા, પોર્ટ હોય કે પછી પ્રવાસન, ખેતી હોય કે પશુપાલન, તમામ ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી કચ્છ હજુ પણ આ દિશામાં અવિરત દોડી રહ્યું છે.

વડાપ્રધાનશ્રીની અંતર પ્રેરણાથી શરૂ થયેલો કચ્છના રણોત્સણ વિશે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, રણોત્સવ આજે ગુજરાતનું તોરણ બની ચૂક્યો છે. રણોત્સવથી સફેદરણને વિશ્વકક્ષાએ વધુ નામના પ્રાપ્ત થઇ છે. અહીં આવતા પ્રવાસીઓ થકી કચ્છની આર્થિક કરોડરજ્જૂ વધુ મજબૂત બની છે. હસ્તકલા, હોટેલ, ટુર્સ-ટ્રાવેલ્સ ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રોમાં નવી રોજગારીનું નિમાર્ણ થયું છે. ગત વર્ષે રણોત્સવમાં રેકોર્ડબ્રેક ચાર લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા અને સફેદ રણને માણ્યું હતું. કચ્છ એ હવે ગુજરાત સહિત ભારતના લોકો માટે, પ્રવાસનનું એક ‘બેસ્ટ ડેસ્ટિનેશન’ બન્યું છે. રણથી દરિયાઈ સીમા સુધી પ્રવાસન વિકસે એ વિઝન સાથે સમુદ્રી સીમા દર્શનની શરૂઆત કચ્છના નારાયણ સરોવર નજીક લક્કી નાલાથી થઈ છે. કોરી ક્રીકમાં મેન્ગ્રુવ લર્નિંગ સેન્ટરના વિકાસ માટે તેમજ મેન્ગ્રુવ ટુરિઝમ સહિતની માળખાકીય સુવિધા માટે ગુજરાત સરકારે બજેટમાં રૂ.૧૦ કરોડની ફાળવણી કરી છે.
તેઓએ નર્મદાના નીરથી આવેલા કૃષિના પરિવર્તનની વાત કરતાં જણાવ્યું હતું કે, કચ્છે ખેતીના ક્ષેત્રમાં પણ કાઠું કાઢયું છે. કચ્છની કેસર કેરી, દાડમ, ડ્રેગન ફ્રુટ, ખારેક વગેરેની વિદેશમાં ભારે માંગ છે. મા નર્મદાના નીરના અવતરણથી, કચ્છના ખેડૂતોએ ખેતીમાં અનેક નવા આવિષ્કાર કરીને દુનિયાને પ્રેરણા આપી છે. આપણા કચ્છ જિલ્લા માટે ગૌરવની વાત એ છે કે, ૪૨૫ વર્ષનો સોનેરી ઇતિહાસ ધરાવતી આપણી કચ્છી દેશી ખારેક જીઆઇ ટેગની માન્યતા મેળવનાર રણ-પ્રદેશ સર્વપ્રથમ કૃષિ પેદાશ બની છે. કચ્છમાં વર્તમાન સમયમાં ૪૪ હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઇ ગયા છે અને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અંતર્ગત કચ્છના અન્ય ખેડૂતોને પ્રેરણા મળે તે હેતુથી ૨૬૧ પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ ઊભા કરવામાં આવ્યા છે.

કચ્છના અંતરિયાળ ગામડાઓ સુધી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રહે તે હેતુથી સરકારે ખાસ કિસ્સામાં ૪૧૦૦ શિક્ષકોની ભરતીને મંજૂરી આપી છે. વર્ષ ૨૦૨૫ માં કચ્છમાં આંગણવાડી, પ્રાથમિક શાળાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ૧.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓએ શાળા પ્રવેશોત્સવ થકી પ્રવેશ મેળવ્યો છે.
તેઓએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા હાઈબ્રીડ ગ્રીન રિન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ કચ્છમાં રણકાંધીએ થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૮ સુધીમાં આ રિન્યુએબલ એનર્જી પાર્કથી ૩૭ ગીગાવોટ ગ્રીનઉર્જાનું ઉત્પાદન થશે. વડાપ્રધાનશ્રીની દીર્ધદ્રષ્ટિથી રણની જમીનનો સદુપયોગ આજે ગ્રીનઉર્જાના ઉત્પાદનમાં થઈ રહ્યો છે. નોંધનીય બાબત એ છે કચ્છ જિલ્લો ગ્રીનઉર્જાના ઉત્પાદન ક્ષેત્રમાં માત્ર ભારત જ નહીં દુનિયા માટે પણ ઉદાહરણરૂપ બન્યો છે. કચ્છના દીનદયાળ પોર્ટ-કંડલા પોર્ટ ખાતે ૧ મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ કાર્યાન્વિત થયો છે.
કલેક્ટરશ્રીએ અંત્યોદયના વિચારને ચરિતાર્થ કરતા સરકારના કાર્યોની માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારે રાજ્યના વંચિતોની-ગરીબોની અને પીડિતોની દરકાર કરી છે. સરકારે ગરીબોના આંગણે જઈને છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડ્યા છે.જનજનના આરોગ્યની દરકાર કરતી સરકાર દ્વારા કચ્છમાં ૫ લાખથી વધારે આયુષ્માનકાર્ડ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. કચ્છના લોકોને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકારે ૫ સબ ડ્રિસ્ટ્રીક્ટ હોસ્પિટલને મંજૂરી આપી છે.
કચ્છમાં મુખ્ય મથક ખાતે જિલ્લાકક્ષાની હોસ્પિટલ, ૭૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૧૫ સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને ૪૨૬ આયુષ્માન આરોગ્ય મંદિરો નાગરિકોની તબીબી સેવામાં નિરંતર કાર્યરત છે.
વડાપ્રધાનશ્રીની વિઝનથી કચ્છનો ઔદ્યૌગિક વિકાસ વિશે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, કચ્છમાં આજે ૯૧ હજારથી વધારે નાના મોટા ઉદ્યોગો કાર્યરત છે. એક સમયે પાણી, રોજગારીના લીધે કચ્છમાંથી હિજરત કરવાની ફરજ પડતી હતી અને વર્તમાન સમયમાં દેશભરમાંથી લાખો લોકો આવીને કચ્છમાં રોજગારી મેળવીને સુખચેનથી જીવન વ્યતિત કરી રહ્યા છે.
સામાન્યમાં સામાન્ય માનવીને શક્ય એટલા વધુને વધુ મદદ થવું એ જ સુશાસનની સાચી દિશા છે તેમ ઉલ્લેખ કરીને કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ પ્રકલ્પો જેવા કે સ્વાગત ઓનલાઈન, સેવા-સેતુ કે પછી ગરીબ-કલ્યાણ મેળા, તેનો અંતિમ ઉદ્દેશ નાગરિકોનું કલ્યાણ છે. પારદર્શિકતા સાથેના આ તમામ પ્રકલ્પોથી થકી નાગરિકોની અનેક સમસ્યાનું નિવારણ આવ્યું છે. છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર શિક્ષણ, મહત્તમ રોજગારી, નાગરિકલક્ષી સુવિધાઓ, સ્વચ્છતા મિશન, જમીન અંગેના કાયદાઓના સરળીકરણ, સ્કિલિંગ પ્રોગ્રામ જેવા બહુઆયામી અને અગત્યના મુદ્દાઓને આવરી લઇ ગુજરાત રાજ્ય એ સુશાસનના હેતુઓને સિદ્ધ કર્યા છે. ગરીબો, પીડિતો, શોષિતો, વંચિતો સુધી વિકાસનાં ફળ પહોંચાડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે ત્યારે ગુજરાતને વિકાસનો પર્યાય બનાવવા પાછળ મૂળભૂત રીતે સરકારનું બહુઆયામી આયોજન અને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો છે. આ નિષ્ઠાપૂર્વકના પ્રયાસોમાં કચ્છ જિલ્લાનું વહીવટી તંત્ર હંમેશા પ્રો-એક્ટિવ રહીને કામગીરી કરી રહી છે.
વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, આજનો સ્વાતંત્ર્ય દિવસ આપણા સૌ ભારતીયોમાં આનંદ, ઉલ્લાસ અને નવા વિચારોનો સંચાર કરે છે. આપણે અમર શહીદોના બલિદાનને વ્યર્થ નહીં જવા દઈએ અને પોતાના દેશની રક્ષા, ગૌરવ અને ઉત્થાન માટે હંમેશા સમર્પિત રહીશું. એક સમય હતો આઝાદી પૂર્વેનો કે, જ્યારે નાગરિકો માટે દેશ કે લીયે મરના એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ હતું. પરંતુ આજે દેશ કે લીયે જીના એ ભાવનાથી નાગરિકો રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યોનું પાલન કરવાનું છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ રજૂ કરેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ ઉપસ્થિતોએ તાળી તાળીઓના ગડગડાટથી વધાવીને બિરદાવી હતી. કચ્છમાં શિક્ષણ, સેવા, સ્પોર્ટ્સ વગેરે ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા નાગરિકો અને કર્મયોગીઓનું પ્રશસ્તિ પત્ર એનાયત કરીને સન્માન કરાયું હતું. કાર્યક્રમના અંતે પર્યાવરણ બચાવવાનો સંદેશ આપીને મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. તાલુકાના વિકાસ માટેનો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતો રૂ. ૨૫ લાખનો ચેક કલેક્ટરશ્રીએ જિલ્લા આયોજન કચેરીને એનાયત કર્યો છે.
આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, શ્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ, તાલીમી સનદી અધિકારીશ્રી એમ. ધરિણી, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, ભચાઉ પ્રાંત અધિકારી શ્રીમતિ જ્યોતિ ગોહિલ, મામલતદારશ્રી મોડસિંગ રાજપૂત સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.