ગાંધીનગરમાં નશાની હાલતમાં કારચાલકનો આતંક: 4નાં મોત, અનેક ઘાયલ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. નશાની હાલતમાં એક ટાટા સફારી કારના ચાલકે બેફામ ગતિએ વાહન હંકારીને રાહદારીઓ અને અન્ય વાહનચાલકોને અડફેટે લીધા હતા, જેના પરિણામે એક મહિલા સહિત 4 લોકોનાં કરૂણ મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના રાંદેસણના ભાઇજીપુરાથી સિટીપલ્સવાળા સર્વિસ રોડ પર બની હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, GJ 18 EE 7887 નંબરની ટાટા સફારી કારના ચાલકે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવીને આ દુર્ઘટના સર્જી હતી. કાર હિતેશ વિનુભાઈ પટેલના નામે નોંધાયેલી છે, પરંતુ અકસ્માત સમયે અન્ય કોઈ વ્યક્તિ વાહન ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

Advertisements

પ્રત્યક્ષદર્શીઓના રૂંવાડા ઊભા કરી દે તેવા નિવેદનો

ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે કારચાલક સંપૂર્ણપણે નશાની હાલતમાં હતો. સુકન હાઈટ્સમાં રહેતા ઈલાબેન પટેલે જણાવ્યું કે, “જેવી હું બહાર નીકળી ત્યારે સામે જોયું તો એક કાર અથડાઈ. એમાં ઓન ધ સ્પોટ એ ભાઈનું મોત થઈ ગયું હતું. ગાડીમાં જે બે પર્સન હતા, તેમને કાઢવા માટે મથી રહ્યા હતા, પરંતુ તેઓ એટલા જિદ્દી હતા કે નીકળતા જ ન હતા. મારીને પરાણે તેમને કાઢ્યા હતા. જેણે અકસ્માત કર્યો તેણે અનહદ પીધેલો હતો. એટલું બધું ડ્રિન્ક્સ કરેલું હતું કે તે ઊભા રહેવાની સ્થિતિમાં ન હતો.” તેમણે વધુમાં ઉમેર્યું કે પોલીસ 20-25 મિનિટ પછી આવી અને ત્યાં સુધી લાશો પડી રહી હતી. કોઈ એમ્બ્યુલન્સ પણ તરત આવી ન હતી.

અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, “સવારે સાડા દસ વાગ્યાની આસપાસ એક ટાટાની કાર લઈને ભાઈ આવતા હતા, જે ફૂલ નશાની હાલતમાં હતા. જેમણે ત્રણ-ચાર વાહનોને અડફેટે લીધા હતા. અમે ત્રણ-ચાર ડેડબોડી જોઈ છે, હજી વધારે મોત થઈ શકે છે.”

શુકન સ્કાય બિલ્ડિંગના ચેરમેનના પતિ અરવિંદ પટેલે સીસીટીવી ફૂટેજ જોયા બાદ જણાવ્યું કે, “ગાડીની સ્પીડ લગભગ 100થી વધુ હશે. એક ગાડીને અડફેટે લઈને એ લાશને લઈને આવે છે અને બાદમાં અન્ય ટુ-વ્હીલરને અડફેટે લે છે.”


પોલીસ કાર્યવાહી અને સારવાર

પોલીસે ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોનાં નિવેદનોના આધારે પોલીસે કારના બેદરકાર ચાલકને ઝડપી પાડ્યો છે.

Advertisements

ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને રોષ ફેલાવ્યો છે. લોકો વાહનચાલકોને વધુ જવાબદાર બનવાની અપીલ કરી રહ્યા છે અને બેદરકારીભર્યા ડ્રાઈવિંગ સામે કડક પગલાં લેવા માટે માગ કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર નશામાં ડ્રાઈવિંગના ગંભીર પરિણામો તરફ ધ્યાન દોર્યું છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment