ગાંધીધામ ટુડે ન્યુઝ : ગુરુવારે સવારે 9:04 વાગ્યે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હરિયાણાના ઝઝ્ઝર વિસ્તારમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેના આંચકા દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ સુધી અનુભવાયા હતા.
લોકો ઘરો અને ઓફિસમાંથી બહાર દોડ્યા
ભૂકંપના આંચકા તીવ્ર હોવાથી લોકો ડરી ગયા હતા અને ઘણા લોકો ઘરો તથા ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. આંચકા આશરે 7થી 10 સેકન્ડ સુધી ચાલુ રહ્યા, જેને કારણે ઘણાં સ્થળોએ લોકો ભયભીત થયા હતા.
મહત્વનું છે કે, ગઈકાલથી દિલ્હીમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. ભીના વાતાવરણ વચ્ચે ભૂકંપના આંચકા આવતા લોકોમાં વધુ અફરા-તફરી જોવા મળી હતી. હાલ સુધીમાં કોઈ જાનહાની કે નુકસાનના સમાચાર મળ્યા નથી.
ભૂકંપનું કેન્દ્રબિંદુ હરિયાણા રાજ્યના ઝઝ્ઝર જિલ્લામાં રહ્યું હતું. ભૂગર્ભ શાસ્ત્રજ્ઞોનું કહેવું છે કે, આ પ્રકારના ઓછા તીવ્રતાના ભૂકંપ સામાન્ય છે, પરંતુ શહેરોમાં લોકો માટે ભયજનક લાગણી ઉત્પન્ન કરે છે.