- પોલીસ દ્વારા ગુનેગારોની યાદી સાર્વજનિક કરાય તેવી માગ
- યાદીમાં સમાવિષ્ટ શખ્સો ક્યા પક્ષનાં છે ? તે પણ પોલીસ જાહેર કરે
- હેલ્પલાઈન જાહેર કરીને લોકો પાસેથી પણ નામ મેળવવા પ્રયાસ કરો : કોંગ્રસ
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાજ્યના પોલીસવડાએ ૧૦૦ કલાકમાં અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવા આદેશ આપતાં પૂર્વ કચ્છ પોલીસે કમર કસીને પૂર્વ કચ્છના ૧૯૦૦ જેટલા શખ્સોની યાદી તૈયાર કરી છે. રાજ્યના ડી.જી.પી. વિકાસ સહાયના આદેશ બાદ પૂર્વ કચ્છ પોલીસના પોલીસવડા સાગર બાગમારની સૂચનાથી પોલીસે દોડધામ આદરી હતી અને પૂર્વ કચ્છમાં આવેલા જુદા જુદા પોલીસ મથકોમાં અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી. પૂર્વ કચ્છમાં અધધ ૧૯૦૦ની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં શરીર સંબંધના ૨૨૪, દારૂ (પ્રોહી)ના ૧૧૦૦, મિલકત સંબંધી ગુના આચરતા ૨૮૦ તેમજ વારંવાર જુગારમાં પકડાતા, ખનિજ ચોરી કરતા અને અન્યો મળીને આશરે ૧૯૦૦ જેટલા શખ્સોના નામ તૈયાર કરવામાં આવ્યા છે. પૂર્વ કચ્છ પોલીસે યાદી કરવાની સાથે કાર્યવાહીનો પણ પ્રારંભ કરી દીધો હતો, જેમાં દબાણ હટાવ, વીજબિલ ફટકારવું, વીજ જાેડાણ કાપવું વગેરે કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આગામી સમયમાં આવા અમુક અસામાજિક ગુંડા તત્ત્વો વિરુદ્ધ જુદી જુદી રીતે કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું.

પોલીસ દ્વારા ગુનેગારોની યાદી સાર્વજનિક કરાય તેવી માગ
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાજ્યના ડીજીપીએ રાજ્યનાં તમામ જિલ્લામાં ખોટા ધંધા કરતા અસામાજિક તત્વો, ગુંડા – ગુનેગારોની યાદી તૈયાર કરવા સુચના આપી હતી. જેના પગલે કચ્છ જિલ્લામાં પણ પૂર્વ અને પશ્વિમ કચ્છ પોલીસ વડા દ્વારા રીઢા ગુનેગારો, ખનીજચોરોની યાદી તૈયાર કરવામાં આવી રહી હશે તેમ જણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વી.કે.હુંબલે કચ્છમાં તે યાદીમાં સમાવિષ્ટ શખ્સ ક્યાં પક્ષ સાથે સંકળાયેલા છે ? તે પણ જાહેર કરવાની સાથે લોકો પાસેથી જાણકારી મેળવવા હેલ્પલાઈન કાર્યરત કરવાની માંગ કરી હતી.
હુંબલે જણાવ્યુ હતુ કે, કચ્છનાં લોકોને જાણકારી મળે તે માટે ગુનેગારો અને ખોટા ધંધા કરતા શખ્સોની યાદી પોલીસ વિભાગ તૈયાર કર્યા બાદ સાર્વજનિક કરે તો ખંડણીખોર, બુટલેગર, ખનિજ માફિયા, ભુમાફિયા, ચોરી લુંટ ધાડ અને દુષ્કર્મ જેવા બનાવમાં સંડોવાયેલા લોકોની ઓળખ થાય. ગૃહવિભાગ ગુનેગારો સામે નક્કર કાર્યવાહી કરવા માંગતુ હોય તો એક હેલ્પલાઈન જાહેર કરીને ગામડામાં ગુના આચરતા શખ્સોનાં પણ લોકો પાસેથી નામ મંગાવવા જાેઈએ તેવી માંગ કરી હતી.
તો બીજી તરફે તેેમણે હાલ પોલીસ દ્વારા તૈયાર થતી યાદી સામે પણ શંકા વ્યક્ત કરીને કહ્યુ હતુ કે, વર્તમાન સંજાેગોમાં તો પોલીસ માત્ર ખાનગી રીતે પસંદ કરેલા નામોની જ યાદી મોકલશે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કચ્છમાં ખનીજ ચોરી સહિતની અનેક અસામાજિક પ્રવૃતિઓ ધમધમી રહી છે પરંતુ તેઓનો વાળ પણ વાંકો થતો નથી. લોકોનાં ચર્ચા છે કે પોલીસ તમામ ગુનેગારોની યાદી બનાવશે કે માફક આવે તેવા ગણ્યા ગાંઠ્યા લોકોની જ યાદી બનાવીને પછી દેખાડા ખાતર કાર્યવાહી કરવામાં આવશે ? તેવો સવાલ અગ્રણીએ કર્યો હતો.