ગાંધીધામ ટુડે, ન્યૂઝ: પૂર્વ કચ્છના સામખિયાળી અને આદિપુર વિસ્તારમાં પોલીસે બે અલગ-અલગ દરોડા પાડીને કુલ ₹૬.૭૮ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ દરોડામાં પોલીસે બે બૂટલેગરોની ધરપકડ કરી છે અને દારૂ, કાર તથા મોબાઈલ ફોન સહિત કુલ ₹૧૨.૮૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
રાજસ્થાનથી જામનગર જતો દારૂનો જથ્થો ઝડપાયો
સામખિયાળી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, એક કાર (નં. GJ 27 CM 4562)માં ગાંધીધામ તરફથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને સામખિયાળી બાજુ આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે હાઈવે પર તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન કારમાંથી ૩૭ વર્ષીય પ્રેમ પ્રકાશ ગિરધારીરામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.

કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૨૮૮ બોટલો અને દારૂના ૯૬૦ ક્વાર્ટરીયા મળી આવ્યા હતા, જેની કુલ કિંમત ₹૬,૧૪,૪૦૦ થાય છે. પોલીસે દારૂના જથ્થા સાથે કાર અને એક મોબાઈલ ફોન સહિત કુલ ₹૧૨,૧૯,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દારૂનો જથ્થો મોકલનાર ગણેશ ચેતનરામ મેઘવાળ (રહે. બાડમેર) અને મંગાવનાર જામનગરના એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આદિપુરમાં ઝૂંપડપટ્ટીમાંથી દારૂ સાથે બૂટલેગર ઝડપાયો
બીજી તરફ, આદિપુર પોલીસે બાતમીના આધારે આદિપુરના બે વાડી વિસ્તારમાં આવેલા લેબર કેમ્પની ઝૂંપડપટ્ટીમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં બૂટલેગર આશિષ જગદીશભાઈ મહેશ્વરીના ઝૂંપડામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૩૮ બોટલો, દારૂના ૪૪ ક્વાર્ટરીયા અને બિયરના ૩૭ ટીન સહિત કુલ ₹૬૩,૬૬૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

પોલીસે બૂટલેગર આશિષ મહેશ્વરીની ધરપકડ કરી છે, પરંતુ દારૂનો જથ્થો આપનાર દિપક જગદીશ મંગલાણી (રહે. ગુરુકુલ, ગાંધીધામ) હજી સુધી પોલીસના હાથમાં આવ્યો નથી. પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી બંને બૂટલેગરો સામે ગુનો નોંધી બાકી રહેલા આરોપીને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.