ગાંધીધામ ટુડે, ન્યુઝ: ગાંધીધામના સેકટર પમાં પ્લોટ નં. ૩૩ર-૩૩૩ વિસ્તારમાં આવેલી ૧ર ફ્લેટની ઈમારત ભુકંપ અને બીપરજાેય બાદથી અત્યંત જર્જરીત હાલતમાં છે, તેમાંથી અવાર નવાર પોપડા પડી રહ્યાં છે ત્યારે વધુ એક આવો બનાવ ગતરોજ સવારે બન્યો હતો. આ અંગે ધારાશાસ્ત્રી અશોક આર.પરમારે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર પાઠવીને જણાવ્યુ હતુ કે, સેકટર પમાં આવેલી આ ઈમારતનું નિર્માણ ૧૯૯૬/૯૭માં કરાયુ હતુ. જે ભુકંપ બાદથી ડગમગુ થઈ જતા જાનમાનનું મોટુ નુકશાન થઈ શકે તેમ છે. અહીં અડોસ પડોસના પ્લોટ ધારાકોને આ ફલેટના કારણે નુકશાનની ભીતી છે, ત્યારે ફલેટના પ્રમુખ દ્વારા કોઈ તકેદારી રખાતી નથી, ત્યારે તેમને બિલ્ડીંગને તુરંત ડીમોલીસ કરવાનો હુકમ કરવાની કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. ગત તા.ર૭/રના સવારે ધારાશાસ્ત્રીના પિતા પર આ બિલ્ડીંગનો હિસ્સો પડ્યો હતો. જેથી તેમને મુઢમારની ઈજા થઈ હતી અને મકાનને ૩૦ હજારનું નુકશાન થયુ હતુ.

ગાંધીધામમાં જર્જરિત અને જાેખમી ઈમારતોઃ કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની?
- અગાઉ કેટલીક વખત કાટમાળ પડવાના બનાવો આવી ચુક્યા છે સામે, ઘનશ્યામ એપાર્ટમેન્ટનું છજું પટકાતાં કુમળી વયની બાળકીને મોત આંબી ગયું હતું તેમજ મહિલાને થઈ હતી ગંભીર ઈજાઓ
- અનેક જર્જરિત ઇમારતો હજુય મોતનો માંચડો બનીને ઝૂલે છે, પરંતુ મહાનગરપાલિકા, જીડીએ સહિતનાં વહીવટી તંત્ર દ્વારા એકબીજા પર દોષનો ટોપલો ઢોળી લોકોના જીવ સાથે કરાઇ રહ્યો છે ખિલવાડ
- સંકુલમાં અતિ બિસ્માર હાલતમાં મુકાયેલી બિલ્ડીંગોને સત્વરે તોડી પાડવામાં આવે તેવી માંગ લોકોમાંથી ઊઠી

ગાંધીધામ ટુડે, ન્યુઝ: ગઈકાલે ગાંધીધામનાં સેકટર પમાં પ્લોટ નં. ૩૩ર-૩૩૩ વિસ્તારમાં આવેલી ૧ર ફ્લેટની ઈમારતનું છજુ નીચે પડવાની ઘટના બની હતી, જાે કે સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી ન હતી ત્યારે ગાંધીધામ, આદિપુરમાં પણ અનેક જર્જરિત ઇમારતો હજુય મોતનો માંચડો બનીને ઝૂલે છે, પરંતુ મહાનગરપાલિકા, જીડીએ સહિતનાં વહીવટી તંત્ર દ્વારા એકબીજા પર દોષનો ટોપલો ઢોળી લોકોના જીવ સાથે ખિલવાડ કરાઇ રહ્યો છે. પરિણામે ગંભીર દુર્ઘટના સર્જાવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

ગાંધીધામમાં ગાંધી માર્કેટ, નગરપાલિકા પાછળ ચેતના ચેમ્બર, સેક્ટર-૧/એ વિસ્તાર, આદિપુરમાં ઘનશ્યામ એપાર્ટમેન્ટ, નીરવ એપાર્ટમેન્ટ, સુધરાઇ હસ્તકની શાકમાર્કેટ સહિતની જર્જરિત ઇમારતો મોતનો માંચડો બનીને ઊભી છે. જેમાંથી અનેક વખત કાટમાળ પડવાના બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે. અગાઉ ઘનશ્યામ એપાર્ટમેન્ટનું છજું પટકાતાં કુમળી વયની બાળકીને મોત આંબી ગયું હતું તેમજ મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી. અમુક ઇમારત હાડપિંજર સમાન બની ગઇ છે.

તંત્ર દ્વારા દેખાડા પૂરતી નોટિસ આપીને સંતોષ માની લેવાયો હતો. ત્યારબાદ હજુ સુધી આ બાબતે કોઈ ગંભીરતા દાખવવામાં આવી ન હતી. આવી જ રીતે શહેરની અન્ય જર્જરિત બિલ્ડિંગ સંદર્ભે પણ નોટિસ આપીને હાથ ખંખેરી લેવાયા હતા. હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી સંભવ થઈ શકી નથી. જાેડિયા નગરમાં આવેલી આ જર્જરિત ઇમારતોમાં અવર નવાર પોપડાં પડવાના બનાવો પ્રકાશમાં આવતા રહે છે, તેમ છતાં તેમાં લોકો વસવાટ કરે છે. ઉપરાંત મોટાભાગની બિલ્ડિંગમાં ખાનગી કચેરીઓ, દુકાનો કાર્યરત છે.

આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર? તેવો સણસણતો સવાલ લોકો દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે. ગાંધીધામ-આદિપુરમાં ભૂકંપ પહેલાંની આ ઇમારતો જર્જરિત હાલત ભોગવી રહી છે. વધુ પડતા વરસાદ બાદ પોલાણ થવાથી પણ ઇમારત પડી જવાની ભીતિ સેવાઈ રહી છે. અંજાર પ્રાંત અધિકારીના હુકમથી તંત્ર દ્વારા જર્જરિત ઈમારતોને તોડવા માટે નોટિસ આપવામાં આવે છે. ત્યારબાદ બિલ્ડિંગ તોડવાની કામગીરીમાં ગતિ આવતી જ નથી.

ગાંધીધામ-આદિપુરમાં સતત ધમધમતા રોડ તેમજ રહેણાક વિસ્તારોમાં આ જર્જરિત બિલ્ડિંગ ઊભી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ઘટે, તો મોટી હોનારત સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે સંકુલમાં અતિ બિસમાર હાલતમાં મુકાયેલી આ બિલ્ડિંગ સત્વરે તોડી પાડવામાં આવે, તેવી માંગ લોકોમાંથી ઊઠી રહી છે.