ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતના નાગરિકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે ગુજરાત એસટી નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા રાજ્યનાં વિવિધ મોટાં શહેરોને જોડતી 1400થી વધુ વધારાની એક્સપ્રેસ બસો દોડાવવામાં આવશે.
નિગમના તમામ વિભાગોમાં વેકેશન દરમિયાન મુસાફરોને સલામત અને સમયસર મુસાફરીની સુવિધા મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. એસટી નિગમ દ્વારા ઉનાળાના વેકેશનમાં સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે 500 ટ્રીપ, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ આશરે 210, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ લગભગ 300 અને સૌરાષ્ટ્ર તરફ 300 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, એસટી નિગમ દ્વારા ગુજરાતથી પડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓ શરૂ કરવાનું આયોજન છે.

રાજ્યના નાગરિકો ઉનાળાના વેકેશનમાં વિવિધ પ્રવાસન સ્થળોની સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત પણ લઈ શકે તે માટે નવી ટ્રીપનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદથી અંબાજી, સોમનાથ અને દ્વારકા માટે દરરોજ 10 ટ્રીપ અને ડાકોર, પાવાગઢ તથા ગિરનાર માટે દરરોજ 5 ટ્રીપ દોડશે. પ્રવાસન સ્થળો જેવાં કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણગીર અને સાપુતારા માટે અમદાવાદથી દરરોજ 5 ટ્રીપ તેમજ દીવ અને કચ્છના પ્રવાસ માટે અમદાવાદથી દરરોજ 10 બસોની ટ્રીપનું આયોજન એસટી નિગમ દ્વારા કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, આંતરરાજ્ય પ્રવાસ માટે રાજસ્થાનના માઉન્ટ આબુ અને સુન્ધામાતા જવા માટે અમદાવાદથી દરરોજ બે ટ્રીપ અને મહારાષ્ટ્રના શિરડી, નાશિક તથા ધુલિયા જેવાં સ્થળોએ મુસાફરી માટે અમદાવાદના ગીતા મંદિરથી દરરોજ બે ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે.