ગુજરાતમાં નકલી ચલણી નોટો છાપી રાજસ્થાનમાં ફરતી કરવાનું કૌભાંડ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : દાહોદમાં નકલી ચલણી નોટો છાપીને તેને રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં ફરતી કરવાનું કૌભાંડ રાજસ્થાન બાસવાડાની આનંદપુરી પોલીસે ઝડપી પાડ્યું હતું. ત્યારબાદ રાજસ્થાન પોલીસે દાહોદ જિલ્લાના ઝાલોદ અને સંજેલીમાં પણ દરોડો પાડી બે શખ્સોની ધરપકડ કરી છે.

નકલી ચલણી નોટોના રેકેટમાં સામેલ મુખ્ય સૂત્રધાર સુખરામ તંબોલીયા, કમલેશ તંબોલીયા સહિત 10 લોકોની ધરપકડ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. મુખ્ય સૂત્રધાર રાજસ્થાનના બાસવાડાથી પ્રિન્ટરો અને લેપટોપ ખરીદી ઝાલોદના સંબંધી પાસેથી બનાવટી ચલણી નોટો બનાવવાનું શીખ્યો હતો.

દાહોદ ખાતે ભાડાના મકાનમાં 100, 200 અને 500ના દરની બનાવટી ચલણી નોટો પ્રિન્ટ કરી રાજસ્થાનના બાસવાડા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં માર્કેટમાં ઉતારી હતી. પોલીસે આ કૌભાંડમાં 1.39 લાખની બનાવટી નોટો તેમજ બે પ્રિન્ટર લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એટલું જ નહીં પોલીસે ઝાલોદના પેથાપુરના એક વ્યક્તિ તેમજ સંજેલીમાં ફોટો સ્ટુડિયો ચલાવનાર એક ઈસમની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે બનાવટી ચલણી નોટોનું કૌભાંડ રાજસ્થાનના બાસવાડા તેમજ દાહોદ, ઝાલોદ અને સંજેલી સુધી વિસ્તરાયેલું હતું. ઝડપાયેલા ભેજાબાજોએ બાસવાડા સિવાય દાહોદમાં કેટલી બનાવટી ચલણી નોટો માર્કેટમાં ફરતી કરી છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

નકલી નોટોના પ્રકરણમાં ઝડપાયેલા આંતરરાજ્ય કૌભાંડમાં સુખારામ તંબોલિયા રાજસ્થાન ખૂંટાગવલીયા ગામનો રહેવાસી છે. તેને કબૂલાત કરી હતી કે નકલી નોટો બનાવવાનું કામ દાહોદના સંબંધી પાસેથી શીખ્યું હતું. સુખારામ અને તેની સાથે કમલેશને પણ દાહોદથી જ નકલી નોટો કઈ રીતે બનાવવી તેનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. દાહોદ ખાતે સુખરામ અને કમલેશને નકલી નોટો બનાવવાનું શીખવાડનાર કોણ તે પણ તપાસનો વિષય છે.

રાજસ્થાનના પકડાયેલા આરોપીના નામો

  • સુનિલ ખીડૂરી (રહે.આનંદપુરી)
  • રમેશ જાલિયા નીનામા (રહે.ખૂંટા ગળનીયા)
  • વારજી થાવરા ડોડીયાર (રહે.બોરપાડા)
  • રમેશ ગૌતમ ચારેલ (રહે.અંબાપુરા)
  • જયંતિ ગવજી બારીયા (રહે.કુંડા આનંદપુરી)
  • કમલેશ બાબુ તંબોલીયા (રહે.ખૂંટા ગળનીયા)
  • નરબુ બાબુ હાંડા (રહે.કલિંજરા)
  • સુખરામ તંબોલીયા (રહે.ખૂંટા ગળનીયા)
  • મહેશ કટારા (રહે.ધૂળિયાગઢ)
  • નરસિંહ મહિડા (રહે.બોરપાડા)
Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *