ગાંધીધામ ટુડે, ન્યૂઝ : દીનદયાલ પોર્ટ,કંડલાની 8 નંબરની જેટી પર લાગેલી ક્રેનમાં એકાએક આગ ભભુકી ઉઠી હતી, જેના કારણે કામ કરતા લોકોમાં દોડધામ મચી હતી. જોકે પોર્ટના અગ્નીશમન દળે દોડી આવીને કલાકમાંજ પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.

દેશનું અગ્રીમ મેજર પોર્ટ દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલામાં સતત બીજા દિવસે દુર્ઘટના બની હતી. શનિવારે જેટી નં. 1 પાસેનો ઢાંચો ડુબી ગયો હતો, તો રવિવારે સવારે 7 વાગ્યે જેટી નં. 8 પર કાર્યરત લીબર ક્રેનમાં આગની જ્વાળાઓ નિકળવા લાગી હતી. આ આગ ત્યારે લાગી જ્યારે આ જેટી પર હરક્યુલીસ નામક કોલસો ભરેલું જહાજ લાંગરેલું હતું અને તેમાંથી કોલસાનું એ.વી.જોશી કંપની દ્વારા અનલોડીંગ કરાઈ રહ્યું હતું. જેવી આગ લાગી એટલે ક્રેન પરના અને આસપાસના લોકો દોડીને દુર જતા રહ્યા હતા, અને પોર્ટના અગ્નીશમન દળે ઝડપથી પહોંચી આવી ચાર્જ સંભાળી પાણીનો મારો શરૂ કરી દીધો હતો. પરીણામ સ્વરુપ કલાકમાં તેના પર કાબુ આવી ગયો હતો, સદભાગ્યે કોઇ જાનહાની કે દાઝ્યા અથવા તો મોટુ નુકશાન થવા પામ્યું નથી. સુત્રોએ જણાવ્યું કે આ પ્રકારની ક્રેન આગમાં સંપુર્ણ ક્રેન ખાક થઈ જતી હોય છે પરંતુ પોર્ટના અગ્નીશમન દળના જાંબાજ કર્મચારીઓએ ક્રેન પણ બચાવી લીધી હતી.