ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ જિલ્લાના ગૌરવ સમાન સહકારી દૂધ ઉત્પાદક સંસ્થા “સરહદ ડેરી”એ આજે વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ચાંદરાણી સ્થિત દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ ખાતે અમૂલ બ્રાન્ડની નવી ઉત્પાદિત મટકા કુલ્ફી આઈસ્ક્રીમના બે સ્વાદ – કેસર પિસ્તા અને રાજભોગ –નું ઉત્પાદન અને લોંચિંગ વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલના હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે ચેરમેન વલમજીભાઈએ જણાવ્યું કે, “આ પ્રોડક્ટનું ઉત્પાદન સમગ્ર ભારતભરમાં સૌપ્રથમ વખત કચ્છની સરહદ ડેરીમાં શરૂ કરવામાં આવ્યું છે, જે કચ્છના પશુપાલકો માટે ગૌરવની બાબત છે. અમે હંમેશા દૂધ ઉત્પાદનથી લઈને બજારમાં વેચાણ સુધી સમગ્ર શૃંખલાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરીએ છીએ.”
વિશિષ્ટતાઓ:
- સ્વાદ: કેસર પિસ્તા અને રાજભોગ
- પેકિંગ: 100 ગ્રામ સિરામિક પોટ
- ભાવ: ₹70 પ્રતિ પોટ
- ઉપલબ્ધતા: અમૂલ પાર્લરો અને ગુજરાત સહિત કચ્છની બજારોમાં
- વિશેષ પ્રસંગ: જન્માષ્ટમી પર્વને ધ્યાનમાં રાખીને વિશેષ પેકિંગમાં લોંચિંગ
આ લોંચિંગ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શ્રી હર્ષભાઈ પરમાર અને મોહનભાઈ માતા, સરહદ ડેરીના જનરલ મેનેજર શ્રી નિરવભાઈ ગુસાઈ, આઇસ્ક્રીમ પ્લાન્ટ મેનેજર અભિષેક છાવરી, પ્લાન્ટ મેનેજર બિશ્વજીત બેનર્જી અને અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ નવતર ઉદ્યમ સાથે સરહદ ડેરીએ માત્ર કચ્છ માટે જ નહિ , આખા ગુજરાત માટે પણ નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે.