અંજાર અને રતનાલ પાસેથી સિલિકા, ખાવડા-ધ્રોબાણા પાસેથી લાઈમસ્ટોનનું ગેરકાયદેસર વહન ઝડપાયું
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ કલેક્ટરશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોર્ડ, કચ્છની તપાસ ટીમે ગેરકાયદેસર ખનીજ વહન સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે સાંજના સમયે અંજાર અને રતનાલ વિસ્તારમાંથી રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજનું વહન કરતી કુલ ૪ ટ્રકો ઝડપી પાડવામાં આવી હતી, જ્યારે ખાવડા-ધ્રોબાણા ચેકપોસ્ટ ખાતેથી રોયલ્ટી પાસમાં દર્શાવેલ જથ્થા કરતાં વધુ લાઈમસ્ટોન ખનીજનું વહન કરતી ૧ ટ્રક પણ પકડાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફ્લાઇંગ સ્ક્વોર્ડ, કચ્છની ટીમે તા. ૧૯/૦૫/૨૫ ના રોજ સાંજના સમયે અંજાર કળશ સર્કલ પાસે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજ વહન કરતી ૩ ટ્રકોને અટકાવવામાં આવી હતી. તેવી જ રીતે, રતનાલ ગામ પાસેથી પણ રોયલ્ટી પાસ વગર સિલિકા ખનીજ વહન કરતી વધુ ૧ ટ્રક પકડવામાં આવી હતી.
આ ઉપરાંત, ખાવડા-ધ્રોબાણા ચેકપોસ્ટ ખાતેથી લાઈમસ્ટોન ખનીજનું રોયલ્ટી પાસમાં દર્શાવેલ જથ્થા કરતાં વધારે જથ્થાનું વહન કરતી ૧ ટ્રક પણ ઝડપી પાડવામાં આવી હતી.

ફ્લાઇંગ સ્ક્વોર્ડ દ્વારા આ પાંચેય ટ્રકોને સીઝ કરવામાં આવી હતી અને આશરે રૂ. ૧.૧૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યો હતો. આ મામલે કાયદેસરની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
કચ્છમાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહનને ડામવા માટે વહીવટીતંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. ભવિષ્યમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્ર દ્વારા કડક હાથે કામ લેવામાં આવશે તેવી શક્યતા છે.