ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કંડલા બંદરની ઓઇલ જેટી જૂના કંડલા પાસે શનિવારે ખાનગી કંપનીની તરતી જેટી તૂટીને દરિયામાં ગરકાવ થતાં પોર્ટ પ્રશાસનમાં દોડધામ થઇ પડી હતી. કંડલાની ઓઇલ જેટી નજીક આ બનાવ બન્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આઇ.એમ.સી. કંપનીની તરતી જેટી અહીં મૂકવામાં આવી છે. આ તરતી જેટી દરિયામાં ભરતી (હાઇ ટાઇડ)ના કારણે તૂટી ગઇ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ બંધિયા, ફાઉન્ડેશન કે નબળી ગુણવત્તાના કારણે આવું થઇ શકે છે. જેટી તૂટી જવાના બનાવને કારણે પોર્ટ પ્રશાસનમાં ભારે દોડધામ થઇ પડી હતી.
ટ્રેસ્ટલ વિસ્તારમાં મજબૂત પ્રવાહ અને ઢાળને કારણે આ આર.આઇ.જી. અસંતુલિત થઇ ગયું હોવાનું પોર્ટના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું. આ તરતી જેટી શિપિંગ રૂટથી દૂર હતી. કોઇ પણ શિપિંગ હિલચાલ-પ્રવૃત્તિને અડચણ ન થાય તે માટે આ તરતી જેટીને સુરક્ષિત જગ્યાએ લઇ જવાઇ હોવાનું સત્તાવાર રીતે જણાવાયું હતું તેમજ આ બનાવમાં કોઇને ઇજાઓ ન પહોંચી હોવાનું બહાર આવ્યું હતું.