ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં ભેળસેળિયા તત્વો પર લગામ કસવા ફૂડ વિભાગ સક્રિય બન્યું છે. તાજેતરમાં ગાંધીધામ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પનીર, મિક્સ વેજીટેબલ શાક અને દાળના ત્રણ નમૂના લઈ પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

લાંબા સમયથી ગાંધીધામ સહિત જોડિયા શહેરમાં ભેળસેળિયા તત્વોનો રાફડો ફાટ્યો છે. રોજબરોજની ખાદ્યસામગ્રીમાં મોટા પાયે થતી ભેળસેળ અંગે અનેક ફરિયાદો ઉઠી રહી છે. વેપારીઓ દ્વારા ખાદ્ય પદાર્થોમાં કલર, તેલ અને અન્ય સામગ્રીનું મિશ્રણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોવાની વ્યાપક રાવ ઉઠી રહી છે.

આ મુદ્દે રાજ્યના આરોગ્ય વિભાગે પણ ગંભીરતા દાખવી છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ એક્ટમાં સુધારાની પણ ચર્ચા ચાલી રહી છે, જેમાં ખોરાક નિયમ મુજબ ન હોય તો ₹3 લાખ સુધીનો દંડ અને ભેળસેળ કરતા પકડાયેલા વેપારીને ₹5 લાખને બદલે ₹20 લાખ સુધીના દંડની જોગવાઈ કરવાની તૈયારી દર્શાવાઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે નાગરિકો પાસેથી ઓછામાં ઓછા કેટલો ફૂડ કરવો જોઈએ તે અંગે સૂચનો પણ મંગાવ્યા છે.

ગાંધીધામ સંકુલમાં સંખ્યાબંધ ઉદ્યોગગૃહો અને દૈનિક હજારો લોકોની અવરજવરને કારણે સામાન્ય લાભ મેળવવા ભેળસેળિયા તત્વો દ્વારા થતી છેડછાડ અટકાવવી અનિવાર્ય બની છે. ફૂડ વિભાગની આ કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે અને લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત થશે તેવી આશા છે.