ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ શહેરના સેક્ટર ત્રણ વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર દારૂના વેચાણ પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક મકાનમાં છાપો મારી બાથરૂમમાંથી રૂ. 3,27,600ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેરના નવી સુંદરપુરી ભરવાડવાસમાં રહેતા બોહુરામ ક્રિષ્નારામ પ્રજાપતિ નામના શખ્સે સેક્ટર ત્રણ, પ્લોટ નંબર 70માં આવેલું એક મકાન ભાડે રાખીને ત્યાં ગેરકાયદેસર દારૂનો સંગ્રહ અને વેચાણ કરતો હતો.
ખાનગી બાતમીના આધારે પોલીસે ગઇકાલે બપોરે સેક્ટર ત્રણના પ્લોટ નંબર 70ના એક મકાનમાં રેડ કરી હતી. રેડ દરમિયાન, પોલીસે આરોપી બોહુરામને પકડી પાડ્યો હતો. મકાનની તલાશી લેતા, બાથરૂમમાંથી શરાબની પેટીઓ મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી રોયલ સ્ટેગ બ્રાન્ડની 750 મિ.લી.ની કુલ 252 બોટલ જપ્ત કરી હતી, જેની કિંમત રૂ. 3,27,600 આંકવામાં આવી છે.
ધરપકડ કરાયેલા આરોપી બોહુરામની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે નવીન નામનો શખ્સ આઇસર ટેમ્પો દ્વારા દારૂનો આ જથ્થો તેને આપી ગયો હતો. પોલીસે હવે દારૂ સપ્લાય કરનાર મુખ્ય આરોપી નવીનને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.