ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર સ્ટેટ મોનિટરિંગ સેલે (એસએમસી) મોટી કાર્યવાહી કરી 70 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ કેસમાં ટ્રક ચાલકની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

એસએમસીની ટીમને બાતમી મળી હતી કે એક ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો વહન કરવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે ટીમે મૂલડ ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટ્રકને અટકાવી તેની તપાસ કરતાં પ્રથમ તેમાં ઊનનો જથ્થો જોવા મળ્યો હતો. જો કે, પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં ઊનની આડમાં છુપાવેલી વિદેશી દારૂની 7,896 બોટલ મળી આવી હતી.
પોલીસે ઘટનાસ્થળેથી ટ્રક ચાલક પીન્ટુ સિંહ નટુસિંગ રાવત (રહે. રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો ગોવાથી કચ્છના ગાંધીધામ ખાતે પહોંચાડવાનો હતો. પોલીસે આ કેસમાં સંડોવાયેલા જોગેન્દ્ર સિંહ રાવત સહિત ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે ટ્રક, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 90.79 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ આ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે.