ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ શહેરમાં પંજાબ એન્ડ સિંધ બેન્ક દ્વારા જાહેર હરાજીમાં વેચાયેલા મકાનનો કબજો સાત મહિના વીતી ગયા છતાં ખરીદનારને મળ્યો ન હોવાની અને ભરેલા નાણાં પણ પરત ન કરાતા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. આદિપુરના રહેવાસી અનિલકુમાર પ્રેમજીભાઈ રોશિયાએ આ મામલે ફરિયાદ કરી છે અને જવાબદાર સત્તાવાળાઓ દ્વારા કોઈ કાર્યવાહી ન થતી હોવાની વ્યથા વ્યક્ત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 30મી જાન્યુઆરીના રોજ બેન્કના પોર્ટલ પર મેઘપર કુંભારડી ગામે આવેલા ગોકુલધામ ખાતેના એક મકાનની હરાજી માટે જાહેરાત કરવામાં આવી હતી. શ્રી રોશિયાએ આ જાહેરાત અન્વયે ટેન્ડર ભર્યું હતું. ₹21.17 લાખની કિંમતનું આ મકાન તેમને ₹24.53 લાખમાં મળ્યું હતું. તેમણે જરૂરી રકમ ભરી દીધા બાદ પણ છેલ્લા સાત મહિનાથી તેમને મકાનનો કબજો આપવામાં આવ્યો નથી. એટલું જ નહીં, ભરેલા નાણાં પણ બેન્ક દ્વારા પરત કરવામાં આવતા નથી.
શ્રી રોશિયાએ જણાવ્યું હતું કે તેમણે આ મામલે બેન્ક સાથે અનેકવાર પત્રવ્યવહાર કર્યો છે અને રજૂઆતો પણ કરી છે, તેમ છતાં બેન્ક દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી કે કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી. તેમના પૈસા રોકાઈ જવાથી તેમને આર્થિક ફટકો પડી રહ્યો હોવાનું પણ તેમણે ફરિયાદમાં જણાવ્યું છે.
વધુમાં, શ્રી રોશિયાએ બેન્ક પર ગંભીર આરોપ લગાવ્યો છે કે બેન્ક દ્વારા મકાનના વીજબિલની ચડત રકમ સહિતની કેટલીક મહત્વપૂર્ણ બાબતો છુપાવવામાં આવી હતી. તેમણે આ કૃત્યને પોતાની સાથે કરાયેલી છેતરપિંડી ગણાવી છે. આ મામલે અન્ય જવાબદાર તંત્રો પણ તેમની ફરિયાદ સાંભળતા ન હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ ઘટના બેન્કની પારદર્શિતા અને જવાબદારી પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે, અને આ મામલે સત્વરે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.