ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુરમાં ડુપ્લેક્ષ બનાવી આપવાના બહાને ચાર પરિવારો પાસેથી ₹2.51 કરોડની છેતરપિંડી આચરનાર મુંબઈના એક બિલ્ડર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી જગદીશ હરીલાલ બારમેડા, જે હાલ ભુજના માધાપર ખાતે રહે છે, તેણે 2015માં એક આકર્ષક ડુપ્લેક્ષ પ્રોજેક્ટનું વચન આપીને ભોગ બનેલા લોકો પાસેથી મોટી રકમ પડાવી હતી.
ફરિયાદીઓમાં આદિપુરના વિનાયક જેવલરામ અનંદાની, પ્રવિણસિંહ ગજુભા જાડેજા, રોહતાઝ સૈની અને અમિત હરજસરાય સુગવાનીનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે આરોપી બારમેડાએ આદિપુરના વોર્ડ 2બીમાં ડુપ્લેક્ષ બનાવવાનું કહીને તેમને છેતર્યા હતા. ફરિયાદીઓએ ડુપ્લેક્ષ બુક કરાવવા પેટે અનુક્રમે ₹98.06 લાખ, ₹42 લાખ, ₹1.01 કરોડ અને ₹40.52 લાખ મળીને કુલ ₹2,50,68,000 ચૂકવ્યા હતા.
આ સોદાના ભાગરૂપે, ફરિયાદીઓએ પોતાની માલિકીના ડુપ્લેક્ષ, મેઘપર કુંભારડીમાં આવેલું મકાન અને અન્ય ફરિયાદીએ 3બીમાં આવેલો ટેનામેન્ટ પણ આરોપીને સોદા પેટે આપ્યા હતા, જેના રજીસ્ટર્ડ દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા છે.
જોકે, દસ વર્ષ વીતી ગયા છતાં પ્રોજેક્ટમાં કોઈ પ્રગતિ થઈ ન હતી અને ફરિયાદીઓને તેમના પૈસા પણ પાછા મળ્યા ન હતા. તેમને ફક્ત વાયદાઓ જ મળતા રહ્યા. આ દરમિયાન ફરિયાદીઓના ધ્યાને આવ્યું કે આરોપીએ આ જ પ્લોટ ગીરવે રાખીને તેના પર ₹78.75 લાખની લોન પણ લીધેલી છે અને તેને અન્ય વ્યક્તિને વેચાણ માટે પણ આપી દીધો છે.
આ સમગ્ર પરિસ્થિતિ સામે આવતા, ફરિયાદીઓએ આખરે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે 2015થી 2025 સુધી તેમને માત્ર આશ્વાસનો જ મળ્યા, પરંતુ માર્ચ 2025માં આરોપીએ ધમકી આપી કે “મે આવા ઘણા ગુના કર્યા છે, હું તમને પૈસા આપવાનો નથી. જો ફરિયાદ કરશો તો બધાને પૂરા કરી નાખીશ.” આ ધમકીને પગલે ચારેય પીડિત ફરિયાદીઓએ આરોપી સામે ₹2.51 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.