ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે કચ્છના વિકાસ માટે એક મહત્ત્વપૂર્ણ અને દ્રષ્ટિકોણપૂર્ણ અધ્યાયનો પ્રારંભ થયો છે. “શિક્ષણથી ઉદ્યોગ સુધી – કચ્છના સર્વાંગી વિકાસનો નવો અધ્યાય સ્થપાશે”ના સંકલ્પ સાથે યોજાયેલી આ વિશેષ બેઠકનો મુખ્ય ઉદ્દેશ કચ્છના યુવાધનને ઉચ્ચ શિક્ષણ સાથે સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા ઉદ્યોગ જગત સાથે જોડીને ‘વિકસિત ભારત 2047’ના સ્વપ્નને સાકાર કરવાનો છે.
ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ અને યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય મહેશ પુજે સ્વાગત પ્રવચનમાં આ કાર્યક્રમને માત્ર એક બેઠક નહીં, પણ “આવનારી પેઢીઓના ભાવિ નિર્માણનો દૃઢ સંકલ્પ” ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે આ પ્રયાસ કચ્છની યુવાશક્તિને વૈશ્વિક અવસરો સાથે જોડવાનો એક સેતુ છે, જે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અંતરને દૂર કરશે.
કૌશલ્ય આધારિત વિકાસ અને વૈશ્વિક જોડાણ
This Article Includes
યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ગૌરવ ચૌહાણે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ઉદ્યોગપતિઓને શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેની મજબૂત ભાગીદારી દ્વારા કૌશલ્ય આધારિત વિકાસ કેવી રીતે સાધી શકાય તેની વિગતવાર માહિતી આપી હતી. હાલમાં કચ્છ યુનિવર્સિટીમાં ૫૨ કોલેજોમાં આશરે 20,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે કચ્છ પાસે મજબૂત બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ સ્ટુડિયો, મ્યુઝિયમ અને ઓડિટોરિયમ હોવાથી સંશોધન આધારિત પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે વિશાળ અવકાશ છે.
મેનેજમેન્ટ સ્ટડીઝના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કનિષ્ક શાહે યુનિવર્સિટીની આંતરરાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સ યોજવાની તૈયારીઓ પર ભાર મૂક્યો. તેમણે **“જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, સાથે હવે – જય અનુસંધાન”**ના સૂત્રને આગળ ધપાવી નવી દિશામાં પ્રગતિ કરવાની વાત કરી. તેમણે દૃઢપણે જણાવ્યું કે જો જ્ઞાન, અર્થતંત્ર, રિસર્ચ અને રિયલ વર્લ્ડના તત્વો એકબીજા સાથે જોડાય, તો કચ્છ પ્રવાસન, ગ્રીન-બ્લુ ઈકોનોમી, પોર્ટ, લોજિસ્ટિક્સ, ડિજિટલ ટેક્નોલોજી, રિન્યુએબલ એનર્જી, ખનીજ, સ્ટીલ અને ઓઈલ જેવા ક્ષેત્રોમાં દેશની આર્થિક પ્રગતિમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરી શકે તેટલું સક્ષમ છે.
“નોકરી નહીં, ઉદ્યોગ સર્જન” પર ભાર
માનદ મંત્રી મહેશ તીર્થાણીએ કાર્યક્રમનું સંચાલન કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણ માત્ર નોકરી માટે નહીં, પરંતુ ઉદ્યોગ સર્જન માટે આવશ્યક છે. ચેમ્બર દ્વારા i-Hub સાથે MOU કરીને ડ્રાઈવર માટે પાયલોટ-કેપ્ટન પ્રોજેક્ટ, કૃષિની વિવિધ જાતો, ફળ-ફળાદી પેકેજિંગ, હેન્ડીક્રાફ્ટ માર્કેટિંગ, સ્વચ્છતા અભિયાન અને વોટર કન્ઝર્વેશન જેવી અનેક સ્કીલ ડેવલપમેન્ટ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. ચેમ્બર અને યુનિવર્સિટી મળીને એક એવો રોડમેપ તૈયાર કરશે કે જેથી કચ્છનું યુવાધન અહીં જ સ્વાવલંબી બની શકે અને કચ્છને વિકસિત ભારતનું આર્થિક કેન્દ્ર બનાવી શકે.
ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજા કાનગડે તોલાણી કોમર્સ કોલેજમાં એકાઉન્ટન્સી અને કોમ્પ્યુટર શિક્ષણ દ્વારા શીપિંગ ક્ષેત્રે યુવાઓને પ્લેસમેન્ટ ઉપલબ્ધ કરાવવાના સફળ પ્રયાસોને યાદ કર્યા હતા. ચેમ્બરના ઉપપ્રમુખ દીપક પારેખે મહત્ત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે 19 થી 21 નવેમ્બર દરમિયાન “વિકસિત ભારત @2047” થીમ પર ભારતીય અર્થશાસ્ત્ર અને સાથી વિજ્ઞાન સંગઠન (IEASA) ની છઠ્ઠી વાર્ષિક આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પરિષદ કચ્છ અને ગુજરાતના ટકાઉ વિકાસ માટેની રૂપરેખા તૈયાર કરીને પ્રાદેશિક સમૃદ્ધિના નવા માર્ગો ખોલશે.
સેન્ટર ઓફ એક્સિલન્સ ઉભા કરવા પર સર્વસંમતિ
યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. મોહનભાઈ પટેલે પોતાના સમાપન પ્રવચનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ પાસે સ્કીલ હોય છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ અને દિશા નક્કી કરવી આવશ્યક છે. તેમણે કહ્યું કે કચ્છ પાસે દરિયો, ડુંગર, રણ, કૃષિ, પશુધન અને સાંસ્કૃતિક વારસો બધું જ છે, પરંતુ હવે સમયની માંગ છે કે કચ્છમાંથી ટેલેન્ટ બહાર જતું ન રહે અને બહારના લોકો પણ જ્ઞાન અને રોજગાર માટે કચ્છમાં આવે. તેમણે સૂચન કર્યું કે કચ્છમાં આશરે 120 જેટલા પ્રવાસન સ્થળો છે, અને જો દરેક સેક્ટર માટે ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ ઉભું કરવામાં આવે તો શિક્ષણ અને ઉદ્યોગ બંનેને નવી ગતિ મળી શકે છે.
યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. અનિલ ગોર તેમજ ચેમ્બરના કારોબારી સભ્યો હરીશ મહેશ્વરી, બળવંત ઠક્કર, અનિમેષ મોદી અને કૈલેશ ગોરે પ્રશ્નોત્તરી સત્રમાં સક્રિયપણે ચર્ચામાં ભાગ લીધો હતો. આ બેઠક દ્વારા કચ્છના શૈક્ષણિક અને ઔદ્યોગિક આગેવાનોએ સાથે મળીને પ્રાદેશિક વિકાસ માટે એક સશક્ત અને સહયોગપૂર્ણ રોડમેપ તૈયાર કરવા માટે દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો છે.