ગાંધીધામ ટુડે ન્યુઝ : કંડલા બંદરના નજીક હોંગકોંગના ધ્વજવાળું તેલ ટેન્કર ફુલડા માં વિસ્ફોટ થતા ભયાવહ પરિસ્થિતિ સર્જાઈ હતી. રવિવારના રોજ દપોરે બનેલી આ ઘટનામાં જહાજની ટેન્કમાં વેન્ટિલેશન દરમિયાન જ્વલનશીલ વાયુઓના વિસ્ફોટથી ટેન્કર 22 ડિગ્રી જમણી તરફ ઢળી ગયું હતું.
જહાજને તાત્કાલિક ખાલી કરાયું
This Article Includes
વિસ્ફોટ બાદ કેપ્ટને ટૂંક સમયમાં જહાજ છોડવાની મંજૂરી માંગતા, તેમાં સવાર 21 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 11 ચીની, 2 બાંગ્લાદેશી, 7 મ્યાનમાર અને 1 ઇન્ડોનેશિયન નાગરિકનો સમાવેશ થાય છે. ક્રૂને કંડલાથી રવાના થયેલ ટગબોટ ઓર્કિડ સ્ટાર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો.

વિસ્ફોટ પાછળનું કારણ શું હતું?
વિસ્ફોટનું પ્રારંભિક કારણ ટેન્કરમાંથી જ્વલનશીલ વાયુઓની અપૂર્ણ લિકેજ હોવાનું અનુમાન છે. મિથેનોલના અવશેષ, નબળા ઇન્સ્યુલેશન, ગ્રાઉન્ડિંગની અછત કે ઇલેક્ટ્રિકલ સ્પાર્કથી આકસ્મિક સળગાવવાની શક્યતા સામે આવી છે. આ પ્રકારની કામગીરી ખૂબ જ નાજુક હોય છે અને ખાસ તકેદારી જરૂરી હોય છે.

ટેન્કર હાલ પણ તરતું, કોઈ તેલ લીકેજ નહીં
આજ સુધી ફુલડા ટેન્કરમાં પાણી પ્રવેશ થવાના કે તેલ લીક થવાના કોઈ અહેવાલ નથી. તે હજુ પણ તરતું છે. કોસ્ટગાર્ડના બે જહાજ સતત મોનિટરિંગ પર છે. તમામ અન્ય જહાજોને વિસ્ફોટ સ્થળથી સુરક્ષિત અંતર જાળવવા સૂચના આપવામાં આવી છે.

તપાસ ચાલુ, ડીપીએના ચેરમેન પણ તપાસમાં સામેલ
ડીપીએના ચેરમેન અને અધિકારીઓએ પણ સ્થળ પર જઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આંતરિક તપાસ તેમજ કોસ્ટ ગાર્ડના સત્તાવાર પ્રતિવેદનની રાહ જોવાઈ રહી છે. હાલ કોઈ જાનહાની નથી, પણ ટેન્કરનું ભારે તબાહી અને વિસ્ફોટ નું કારણ ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે.