ગાંધીધામ ટુડે, ન્યૂઝ : મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ – આદિપુર જાેડિયા શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં રોડ-રસ્તા, પાણી, ગટર, બ્યુટિફિકેશન સહિત ૧૦૫ કરોડથી વધુના ખર્ચે વિકાસનાં કામો કરવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. જાેડિયા શહેરોમાં ૩૬૫ કિલોમીટરનું રોડ નેટવર્ક છે. તેમાં લગભગ મોટાભાગના રસ્તાઓ ઉપર ખાડાઓ છે. રિસર્ફાસિંગની કામગીરી માટે નગરપાલિકાએ બે કરોડથી વધુની રકમ ખર્ચી હતી, પરંતુ ખાડાઓ યથાવત્ છે, જેના કારણે યુવાનોથી લઈને વડીલો અને વયોવૃદ્ધ સુધીના લોકોને શારીરિક તકલીફો વેઠવી પડી રહી છે. વ્યાપક ફરિયાદો છે, જેના કારણે માર્ગોનું સમારકામ કરવું અત્યંત આવશ્યક છે, જેનાં પગલે જ સરકારમાં લગભગ ૭૦ કરોડ રૂપિયાની આસપાસના ખર્ચે ૩૭થી વધુ માર્ગો ઉપર રિસર્ફાસિંગની કામગીરી કરવામાં આવશે તો ૩૦ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે. માર્ગોનાં કામોમાં શહેરી અને ગ્રામીણ વિસ્તાર બંનેને આવરી લેવામાં આવશે. આ ઉપરાંત જાેડિયા શહેરને પીવાનાં પાણીની સપ્લાય કરતા રામબાગ ટાંકા ઉપર વર્ષો જૂની મોટરો છે અને જે અલગ-અલગ વિસ્તારોમાં અન્ય પાણીના ટાંકાઓ છે ત્યાં પણ મોટરો જૂની છે, જેનાં પગલે ૧૦૦ એચપીની ૧૦ નવી મોટર ખરીદવામાં આવશે અને જે-જે ટાંકાઓ ઉપર જરૂરિયાત છે ત્યાં તે મોટર કાર્યરત કરવામાં આવશે, તેવું જવાબદારો કહી રહ્યા છે.
ગાંધીધામ – આદિપુરમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની એટલે કે, જી.યુ.ડી.સી. દ્વારા ગટરના બે તબક્કામાં કરોડો રૂપિયાનાં કામો પૂર્ણ થયાં છે અને ત્રીજા તબક્કામાં પણ ટૂંક સમયમાં કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં કિડાણા, શિણાય, અંતરજાળ, ગળપાદ, મેઘપર કુંભારડી અને મેઘપર બોરીચીમાં અને ખાસ કરીને સોસાયટી વિસ્તારોમાં દૂષિત પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થાઓ નથી, જેનાં પગલે મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં લગભગ ૧૩ કરોડના ખર્ચે ગટરનાં કામો કરશે અને લોકોની જે ડ્રેનેજ સંબંધિત ફરિયાદો છે. તેને અગ્રિમતા આપીને કામગીરી કરવામાં આવશે. ગાંધીધામ સંકુલમાં કુલ ૧૦૫ કરોડથી વધુના ખર્ચે વિકાસનાં કામો કરવા માટે સરકારમાં દરખાસ્ત કરી દેવામાં આવી હોવાનું સૂત્રો કહી રહ્યા છે.