ગાંધીધામ: સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન (એસઆરસી) દ્વારા ગાંધીધામ અને આદિપુરમાં રહેણાંકના પ્લોટ પર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરનારા ૬૧ પ્લોટની લીઝ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, વધુ ૨૦૦ જેટલા પ્લોટધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. એસઆરસીની આ કાર્યવાહીથી વેપારીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે.
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પૂજે આ અંગે જણાવ્યું હતું કે ચેમ્બર વેપારીઓની સંસ્થા છે અને રહેણાંકમાંથી કોમર્શિયલમાં ફેરવાયેલા પ્લોટ સમયની જરૂરિયાત મુજબ થયા છે. તેમણે કહ્યું કે જ્યારે ગાંધીધામની વસ્તી ઓછી હતી ત્યારે કોમર્શિયલ વિસ્તાર ઓછો રખાયો હતો, પરંતુ હવે વસ્તી વધતા વેપારીઓએ જરૂરિયાત મુજબ ફેરફાર કર્યા છે.

આજે ૧૦૦૦ જેટલા એસઆરસીના શેરહોલ્ડરોએ શાંતિપૂર્ણ મિટિંગ કરીને કંડલા પોર્ટ એસઆરસીને અપીલ કરી હતી કે જે તે સમયે લાવવામાં આવેલી સ્કીમ ફરીથી લાગુ કરવામાં આવે અને તેનો જે પણ ચાર્જ હશે તે ભરવા તેઓ તૈયાર છે. ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે જો કોમર્શિયલ પ્રવૃત્તિઓ બંધ થશે તો સામાન્ય જનતાને પણ ભારે મુશ્કેલી પડશે. તેથી તેમણે એસઆરસીને લીઝ રદ કરવાનો નિર્ણય તાત્કાલિક પાછો ખેંચી લેવા અને જેમણે નાની દુકાનો શરૂ કરી છે તેમને નિયમિત કરવાની વિનંતી કરી છે.
