ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામમાં લીઝ રદ્દીકરણના મહત્વપૂર્ણ મુદ્દે આજ સવારથી જ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિમંડળે સક્રિયતા દાખવી છે. પ્રતિનિધિમંડળે એસ.આર.સી.ના ડિરેક્ટરો, જનરલ મેનેજર તેમજ અન્ય અધિકારીઓ સાથે એક સંયુક્ત બેઠક યોજીને આ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

બપોર પછી, પ્રતિનિધિમંડળે ગાંધીધામ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી સાથે પણ મુલાકાત કરી હતી અને તેમને આ સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. આ બેઠકમાં પણ લીઝ રદ્દીકરણના મુદ્દા પર સકારાત્મક ચર્ચા થઈ હતી.
ચેમ્બર દ્વારા જણાવવામાં આવ્યું છે કે બંને બેઠકોમાં પ્રતિનિધિમંડળને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને આ સમસ્યાનો જલ્દી જ ઉકેલ આવવાની સંભાવના છે. વધુમાં, ચેમ્બરે માહિતી આપી છે કે આવતીકાલે તેઓ કચ્છના માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને પણ મળીને આ મુદ્દે ચર્ચા કરશે.
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તમામ પ્રજાકીય પ્રતિનિધિઓ, આદરણીય સાંસદ, ધારાસભ્ય અને જીસીસીઆઈ આ મામલાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેનો ઉકેલ લાવવા માટે સતત પ્રયત્નશીલ છે. ચેમ્બર દ્વારા વેપારીઓને નિયમિત રીતે આ અંગેની પ્રગતિથી અવગત કરાવવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.