ગાંધીધામ ચેમ્બર દ્વારા “સાફ દ્રષ્ટિ – સુરક્ષિત યાત્રા” પહેલનો પ્રારંભ

ગાંધીધામ ચેમ્બર દ્વારા "સાફ દ્રષ્ટિ – સુરક્ષિત યાત્રા" પહેલનો પ્રારંભ ગાંધીધામ ચેમ્બર દ્વારા "સાફ દ્રષ્ટિ – સુરક્ષિત યાત્રા" પહેલનો પ્રારંભ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી , યુનિફીડર કંપની , અને વિઝનસ્પ્રિંગ ફાઉન્ડેશનના સહયોગથી “સાફ દ્રષ્ટિ – સુરક્ષિત યાત્રા” નામનો એક મહત્ત્વપૂર્ણ CSR કાર્યક્રમ ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પહેલનો મુખ્ય હેતુ વાણિજ્યિક વાહનચાલકો અને પરિવહન ક્ષેત્રે કાર્યરત સહાયક શ્રમિકોની દ્રષ્ટિ જાળવણી અને માર્ગ સલામતીમાં વધારો કરવાનો છે.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ડીપીએના ચેરમેન સુશીલકુમાર સિંઘના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિફીડરના રીજીયનલ ડાયરેક્ટર સી.એમ. મુરલીધરન દ્વારા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતા જણાવ્યું હતું કે, “સફળ અને સ્થિર પરિવહન વ્યવસ્થામાં વ્યાવસાયિક ડ્રાઇવરોનું માનસિક તેમજ શારીરિક આરોગ્ય અત્યંત મહત્વપૂર્ણ છે. તેમને નબળી દ્રષ્ટિ પ્રશ્નોનો સામનો કરવો પડે છે અને એ અવગણવામાં આવે તો અકસ્માતનું કારણ બની શકે છે”. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમ દ્વારા કંડલા, મુન્દ્રા, માળિયા, જામનગર, હજીરા અને મોરબી જેવા દેશના અગ્રણી ટ્રાન્સપોર્ટ કોરિડોરમાં આઉટરીચ કેમ્પ્સ દ્વારા લગભગ 9,000 પરિવહન કામદારો સુધી દ્રષ્ટિ ચકાસણી અને મફત ચશ્માની સુવિધા પહોંચાડવા પ્રતિબદ્ધ છીએ.

Advertisements

યુનિફીડરના ચીફ લીગલ એડવાઇઝર કૃષ્ણા યાદવે જણાવ્યું હતું કે આ પહેલ માત્ર સ્વાસ્થ્ય કેન્દ્રિત પ્રવૃત્તિ નથી, પરંતુ જીવન બચાવતી અને માર્ગ સલામતીને બળ આપતી સાબિત થશે.

ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે, “આજે કચ્છનું નામ એક શક્તિશાળી ટ્રેડ અને લોજિસ્ટિક હબ તરીકે ઓળખાય છે, પણ તેના પાયાના કારીગર – એટલે કે ટ્રક ચાલકો અને ટ્રાન્સપોર્ટ શ્રમિકો છે. જો તેમની દ્રષ્ટિ ધૂંધળી હશે, તો દેશના અર્થતંત્રના આ રથના ઘોડાની દિશા ખોટી થઈ શકે છે”. તેમણે આ કાર્યક્રમને ડ્રાઇવરો માટે કાળજી લેતા સમાજની સંવેદનાની અભિવ્યક્તિ ગણાવી અને લાંબા ગાળે માર્ગ સલામતીમાં નોંધપાત્ર સુધારો થવાની આશા વ્યક્ત કરી.

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, કચ્છનો સમગ્ર વિસ્તાર ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સનું હબ છે અને હજારો ડ્રાઇવરો તેમજ સાથી કર્મીઓ દૈનિક આર્થિક પ્રવાહ ચલાવે છે. તેમની દ્રષ્ટિનો વિકાસ માત્ર તેમની સલામતી જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે જીવલેણ અકસ્માતોની સંભાવના ઘટાડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સાફ દ્રષ્ટિ – સુરક્ષિત યાત્રા” જેવા કાર્યક્રમો માત્ર એક વખતની પહેલ નથી, પરંતુ વધુ વિસ્તૃત અને સતત અસરકારક કાર્ય પદ્ધતિ માટેના ઉદ્યમો છે.

આ કાર્યક્રમ અંતર્ગત કંડલા (DPT) , મુન્દ્રા , માળિયા , મોરબી , જામનગર , હજીરા (સુરત નજીક) અને ભુજ – ગાંધીધામ જેવા મુખ્ય સ્થળોએ ત્રણ માસનો પાયલોટ કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં ટાર્ગેટેડ મોબાઇલ કેમ્પ અને આઉટરીચ દ્રષ્ટિ તપાસ કેમ્પનો સમાવેશ થાય છે.

કાર્યક્રમ દરમિયાન સ્થાનિક ડ્રાઇવરોના નિઃશુલ્ક આંખની તપાસ કરવામાં આવી હતી અને ચોક્કસ પ્રિસ્ક્રિપ્શન આધારે ચશ્મા સ્થળ પર જ આપવામાં આવ્યા હતા અથવા નોંધાયેલ સરનામા પર મોકલવાના આયોજન સાથે શરૂ કરાયો હતો. વધુ ગંભીર સમસ્યાઓ માટે નિષ્ણાત હોસ્પિટલોમાં રેફરલની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં નેશનલ શીપીંગ બોર્ડના ડાયરેક્ટર રાહુલ મોદી , ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજા કાનગડ , સહમંત્રી જતિન અગ્રવાલ , ખજાનચી નરેન્દ્ર રામાણી સહિત અનેક મહાનુભાવો અને વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Advertisements

ચેમ્બરે આ કાર્યક્રમને એક ટકાઉ સમાજસેવા મોડેલ બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે , જે આવનારા સમયમાં આરોગ્ય, માર્ગ સલામતી અને શ્રમિક કલ્યાણ માટે નવા પ્રકારના સ્ટાર્ટઅપ્સ, સ્કિલિંગ પ્લેટફોર્મ અને નીતિ સંવાદોને પણ સમાવશે. “જો દ્રષ્ટિ સ્પષ્ટ હશે તો દિશા સાચી મળશે. ‘સાફ દ્રષ્ટિ—સુરક્ષિત યાત્રા’ એ માત્ર આંખોની તપાસ નહીં, પરંતુ સલામત ભવિષ્ય માટે ચિંતિત ચેમ્બરનો સંકેત છે” , તેમ માનદ મંત્રી મહેશ તીર્થાણીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment