ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ 62માં નેશનલ મેરિટાઈમ ડે પિનિંગ સેરેમની પ્રસંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ દેવવ્રત આચાર્યજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં કચ્છના ઉદ્યોગ, પોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિકાસની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે, રાજ્યપાલને કચ્છના ઉદ્યોગો માટે અનુકૂળ નીતિઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા અને નવા રોકાણોને આકર્ષવા માટે જરૂરી પ્રોત્સાહન અંગે વિસ્તૃતે ચર્ચા કરી હતી. ગાંધીધામ ચેમ્બર ખાતે પધારવા આમંત્રણ અપાયું હતું જેનો તેમના દ્વારા સહર્ષ સ્વીકાર કરાયો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં પિનિંગ કાર્યક્રમ બાદ યોજાયેલી બેઠકમાં, કંડલા અને મુન્દ્રા પોર્ટના આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ વિસ્તરણ, લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા અને મેરિટાઈમ સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ નીતિઓ અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર મેરિટાઈમ અને ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વસ્તરીય સુવિધાઓ વિકસાવવા પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીએ ચેમ્બર દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓને ગંભીરતા પૂર્વક સાંભળ્યા હતા અને કહ્યું કે, ઉદ્યોગોના મજબૂત વિકાસ માટે રાજ્ય સરકાર અને મેરિટાઈમ વિભાગ સંપૂર્ણ સહયોગ આપશે. તેમણે કચ્છના ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવા માટે સરકારના સહયોગી અભિગમ અંગે આશ્વાસન આપ્યું હતું. બેઠકમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓએ કચ્છના ભાવિ ઉદ્યોગ અને મેરિટાઈમ ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકાર અને મેરિટાઈમ વિભાગ વચ્ચે સંકલન વધારે, નીતિગત સુધારા લાવવા અને આંતરરાષ્ટ્રીય રોકાણોને પ્રોત્સાહન આપવાની જરૂરીયાત અંગે પોતાના મંતવ્યો રજુ કર્યાં હતા.
રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ચેમ્બર દ્વારા ૨જૂ ક૨વામાં આવેલા તમામ મુદ્દાઓ પર સરકારના સંપૂર્ણ સહયોગનો વિશ્વાસ આપ્યો હતો. આ સેરેમની દરમ્યાન રાષ્ટ્રીય અને ગુજરાત મેરીટાઇમ બોર્ડના રાજકુમાર બેનિવાલ, ડીપીએ ચીફ એન્જિનિયર રવીન્દ્ર રેડ્ડી, કેપ્ટન બી.લડવા, કેપ્ટન હેમંત જરવાલ, રાહુલકુમાર મોદી, કેપ્ટન આશિષ સિંઘલ, અને કેપ્ટન પ્રકાશ સિંઘ પણ જોડાયા હતા.
ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, ગાંધીધામ ચેમ્બરનું સ્વપ્ન છે કે કચ્છમાં મેરિટાઈમ બોર્ડ, પોર્ટ અને લોજિસ્ટિક્સ ઉદ્યોગોને અનુરૂપ સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ શરૂ થાય, જેથી અહીંના યુવાઓને રોજગાર અને વ્યવસાયની ઉત્તમ તકો મળી શકે. આ અભિગમ અંતર્ગત, ચેમ્બર સરકાર સાથે સંકલન કરીને મેરિટાઈમ, પોર્ટ મેનેજમેન્ટ, અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમો શરૂ કરવા માટે પ્રયત્નશીલ છે. જેનાથી કચ્છનો યુવા વર્ગ દેશ-વિદેશમાં ઉદ્યોગો માટે તૈયાર બની શકે.