ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છના નવનિયુકત કલેક્ટર સાથે વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવાઈ હતી. આ વેળાએ કચ્છના ઔદ્યોગિક વિકાસ ઉપર સંવાદ કરાયો હતો. ચેમ્બર પ્રમુખ મહેશ પુજ, પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ, માનદ મંત્રી મહેશ તિર્થાણી અને વરિષ્ઠ સભ્ય રોમેશ ચતુરાણીના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર આનંદ પટેલની મુલાકાત લઈ સ્વાગત કર્યું હતું.
ગાંધીધામ ચેમ્બર દ્વારા કચ્છના ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાની પડકારજનક જરૂરિયાતો અને સ્થાનિક ઉદ્યોગોને લગતી નીતિગત સુધારાઓ ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. સહકાર અને સંકલ્પની ભાવના હેઠળની આ મુલાકાત દરમ્યાન ચેમ્બરના પ્રતિનિધિ મંડળે જિલ્લાની આર્થિક ગતિવિધિને વેગ આપવા સરકારી-ખાનગી ભાગીદારીને મજબૂત બનાવવા ઔદ્યોગિક એકમો માટે સિંગલ વિન્ડો સિસ્ટમ લાગુ કરવા અને કચ્છના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સંતુલિત વિકાસ માટેની આવશ્યકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતે.ચેમ્બર તરફથી શ્રી પટેલને ભવનની મુલાકાત લેવા અને ઉદ્યોગપતિઓ, અધિકારીઓ, કર્મયોગીઓ અને સ્થાનિક સમુદાય વચ્ચે સંવાદનું મંચ સ્થાપવા આમંત્રણ પાઠવાયું હતું.
જિલ્લા કલેકટરે ગાંધીધામ ચેમ્બર સાથેના સંવાદને કચ્છના સમગ્ર વિકાસ માટે નિર્ણાયક ગણાવ્યો હતો તેમની નવી ભૂમિકામાં ઔદ્યોગિક અને સામાજિક પ્રકલ્પોમાં ચેમ્બરના સહયોગને અગ્રતા આપવાનું વચન આપવામાં આવ્યું હતું. ચેમ્બર ભવનની મુલાકાતનું આમંત્રણ સ્વીકારતા કહ્યું હતું કે, જિલ્લા પ્રશાસન અને ઉદ્યોગ જગત વચ્ચેનો સીધો સંપર્ક કચ્છને નવી ઉંચાઈએ લઈ જશે અને ગાંધીધામની મુલાકાત દરમ્યાન વિસ્તૃત યોજનાઓ ઉપર ચર્ચા કરવાની તેમણે રુચી દર્શાવી હતી.