ગાંધીધામ ટુડે, ન્યૂઝ : દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૧૫૦ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો વિક્રમ સ્થાપી, દેશના સમગ્ર મુખ્ય બંદરો વચ્ચે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે અને વર્ષ દરમિયાન ૧૩ ટકાના અભૂતપૂર્વ વૃદ્ધિદર સાથે કંડલા પોર્ટે તેની ક્ષમતાના શ્રેષ્ઠ ઉપયોગનો દાખલો બેસાડયો છે. આ સફળતા બદલ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ડીપીએ ચેરમેનનું સન્માન કરાયું હતું. પ્રમુખ મહેશ પુજ, તત્કાલીન પૂર્વ પ્રમુખ તેજા કાનગડ, માનદમંત્રી મહેશ તીર્થાણી અને ખજાનચી નરેન્દ્ર રામાણીના પ્રતિનિધિ મંડળે ડીપીએ પ્રશાસન કાર્યાલય ખાતે ચેરમેન સુશીલકુમાર સિંઘનું આ મહત્ત્વની અને ગૌરવપ્રદ સિદ્ધિ હાંસિલ કરવા બદલ વિશિષ્ટ સન્માન કર્યું હતું.
આ ઐતિહાસિક સિદ્ધિ પ્રસંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મહેશ પુજે જણાવ્યું હતું કે, કંડલા પોર્ટની આ સિદ્ધિ માત્ર કચ્છ માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને રાષ્ટ્ર માટે ગૌરવની ક્ષણ છે. ડીપીએના ચેરમેન સુશીલકુમાર સિંઘની દૂરંદેશી નેતૃત્વશક્તિ અને સંઘભાવનાભરી કાર્યશૈલીના પરિણામે આ સિદ્ધિ શક્ય બની છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશના ૧૨ મેજર પોર્ટમાંથી કંડલા પોર્ટને અગ્રિમ સ્થાન ફરીથી અપાવ્યું છે તે, ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે સકારાત્મક વાતાવરણ ગણી શકાય છે. આવનારા સમયમાં ગ્રીન હાઈડ્રોજન હબ, એડિબલ ઓઈલ, કેમિકલના લીધે હજુ પણ વધુ સિદ્ધિ મેળવશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. પૂર્વ પ્રમુખ તેજા કાનગડે આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશના પશ્ચિમી પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા કંડલા પોર્ટે આ સિદ્ધિ સાથે ભારતની આયાત-નિકાસ ક્ષમતા વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સિદ્ધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય રાજ્યમંત્રી શાંતનુ ઠાકોર તથા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સહિત કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાનો પણ મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે, ત્યારે ચેમ્બર દરેકને અભિનંદન પાઠવી આભારની લાગણી વ્યક્ત કરે છે.
ચેમ્બરના માનદમંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, આધુનિક સાધનો અને મર્યાદિત માળખાંકીય સુવિધાઓ વચ્ચે પણ આટલું મોટું લક્ષ્ય હાંસલ કરવું એ પોર્ટના તમામ હિતધારકો, કર્મચારીઓ અને અધિકારીઓની સામૂહિક મહેનતનું પરિણામ છે, જાે ભવિષ્યમાં વિશેષ મિકેનાઇઝેશન, આધુનિક સાધનો અને કન્વેયર બેલ્ટ સિસ્ટમની વ્યવસ્થા ઉપલબ્ધ થશે તો કંડલા પોર્ટ હજુ વધુ ઊંચાઈઓ સર કરી શકે તેમ છે તેવો વિશ્વાસ વ્યક્ત કરી આગામી આયામો હાંસિલ કરવા શુભકામના પાઠવી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કંડલા પોર્ટની આ સિદ્ધિએ સાબિત કર્યું છે કે, દૂરંદેશી આયોજન, કુશળ સંચાલન અને સંઘભાવના સાથે કામ કરવાથી વર્તમાન સંસાધનો સાથે પણ અસાધારણ પરિણામો મેળવી શકાય છે. આવનારા સમયમાં કંડલા પોર્ટ ચેરમેન સુશીલકુમાર સિંઘના નેતૃત્વમાં વધુ આધુનિકીકરણ અને વિસ્તરણ સાથે દેશ, રાજ્ય અને જિલ્લાના આર્થિક વિકાસમાં વધુ મોટો ફાળો આપવા સજ્જ બનશે. તેઓએ, ડીપીએ-કંડલાની આ સિદ્ધિ માટે ગાંધીધામ ચેમ્બર દ્વારા પોર્ટના તમામ વપરાશકારો, સ્ટેક હોલ્ડર્સ, અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સંગઠનો, પીપીપી ઓપરેટર્સ, ચેમ્બર સાથે જાેડાયેલા પદાધિકારીઓ, સભ્યો તથા બંદરના વિકાસમાં સહભાગી બનનારી દરેક વ્યક્તિને અભિનંદન પાઠવી આભારની લાગણી વ્યક્ત કરી હતી.